સંબંધોની બારાક્ષરી - 1

(૧)

મિત્રતા

        સંબધો બનાવવા સહેલા છે. બગાડવા એનાથી પણ સહેલા છે, પરંતુ સંબંધો ટકાવવા એ સૌથી અઘરી બાબત છે. આજકાલ સંબધો ઝડપથી બની પણ જાયછે અને ઝડપથી તૂટી પણ જાયછે. અહીં બે પ્રસંગો આપ્યાછે. બે જુદી જુદી વ્યક્તિઓ સંબંધોને કેટલું મહત્વ આપેછે, તેમના સંબંધો જોડવા કે તોડવા પાછળ કયું પરિબળ ભાગ ભજવેછે તે તમે પોતેજ નક્કી કરજો.

        નીતિન અને મહેન્દ્ર બાળપણથીજ ઘનિષ્ટ મિત્રો હતાં. બંને એકજ જ્ઞાતિના અને એકજ ગામમાં રહેતાં હતાં. બંનેના ફેમિલીમાં પણ ઘરોબો કેળવાયેલો હતો. બંનેની પત્નીઓ અને બાળકોમાં પણ સારી મિત્રતા હતી. જેના કારણે સારા માઠા પ્રસંગોએ એક બીજાને ત્યાં આવવા જવાનાં તથા ફેમીલી સાથે બહાર ફરવા જવાનાં પ્રોગ્રામો અનેક વાર બનતાં.

મહેન્દ્રને એક પુત્રી અને એક પુત્ર હતો. તેની પુત્રી મોટી અને પુત્ર નાનો હતો. નીતિનને ફક્ત એકજ  પુત્ર હતો. બંને મિત્રોએ તેમના સંતાનોને સારું શિક્ષણ આપ્યું હતું. સંતાનો યુવાન થયાં એટલે બંને મિત્ત્રો તેમના માટે યોગ્ય પાત્ર શોધવા લાગ્યાં.

અચાનક મહેન્દ્રને નીતીનના પુત્રનો ખ્યાલ આવ્યો. તેણે તેની પત્નીને આ વાત કરી. તે પણ ખુશ થઇ ગઈ. બંનેએ નીતિન અને તેની પત્નીને વાત કરી. તેઓ પણ આ સંભાળીને ખુશ થયાં. બંને મિત્રોએ પોતાનાં દીકરા-દીકરીનું સગપણ કરવાનું નક્કી કરી લીધું. બંનેએ મિત્રમાંથી વેવાઈ બનીને સગપણની ગાંઠ વધું મજબુત બનાવવા માટે ખાનગીમાં ગોળ-ધાણા ખાધા.

બંનેના સંતાનો આ વાતથી અજાણ્યા હતાં. મહેન્દ્રએ તેની પુત્રીને આ વાત કરી ત્યારે તે આ સંબંધો માટે તૈયાર થઇ ગઈ, કેમકે તેને તે છોકરો ગમતો હતો. તેની સાથે લગ્ન કરવામાં તેને વાંધો ન હતો. આ બાજુ નીતિને તેના પુત્રને જયારે આ વાત કરી ત્યારે તેણે આ સંબંધ માટે સ્પષ્ટ ના પડી દીધી. નીતિન તથા તેની પત્નીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે એકનો બે ન થયો. તેને મહેન્દ્રની પુત્રી ભાવી પત્ની તરીકે પસંદ ન હતી.

પુત્રની પસંદગીને ધ્યાનમાં રાખીને નીતિને મહેન્દ્રને આ સંબંધની ના પાડી દીધી. આ સંભાળીને મહેન્દ્ર ઉશ્કેરાઈ ગયો. બંને વચ્ચે બોલાચાલી થઇ અને ઝઘડો થઈ ગયો. બાળપણના બંને મિત્રો વચ્ચે આજે બોલવાનાએ  સંબંધો રહ્યાં નથી.

        હવે બીજો એક કિસ્સો જોઈએ. જ્ઞાતિના મુખપત્રમાં એક યુવતીનો લગ્ન માટેનો બાયોડેટા જોઈને નટુભાઈ અને તેમની પત્ની એપોઈન્ટમેન્ટ લઈને તેમના ઘરે પહોચી ગયાં. છોકરીના પિતા મહેશભાઈ અને તેમના પત્નીએ તેમને આવકાર્યા અને તેમની પુત્રીની તથા તેમના કુટુંબની તમામ માહિતી આપી. નટુભાઈને  મહેશભાઈની નિખાલસતા, તેમની પુત્રી અને તેમનું ફેમીલી ગમી ગયું.

નટુભાઈનો પુત્ર કેનેડા હોવાથી તેમણે તેનો બાયોડેટા અને તેના ફોટોગ્રાફ બતાવ્યા. આ ઉપરાંત બંનેની ઓનલાઈન વાત પણ કરાવી આપી. નટુભાઇના આગ્રહને કારણે મહેશભાઈ પણ તેમના ફેમીલી સાથે તેમના ઘેર જઈ આવ્યા. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ. તેમનો દીકરો-દીકરી પણ સારા મિત્રો બની ગયાં.

નટુભાઈનો પુત્ર ચાર મહિના પછી કેનેડાથી આવવાનો હતો. બંને ફેમિલીએ એવું નક્કી કર્યું હતું, કે બંનેના પુત્ર-પુત્રી એકબીજાને રૂબરૂ મળે ત્યાર પછીજ બંનેની પસંદગી અંગેનો નિર્ણય લેવો. રૂબરૂ મળ્યા પછી જો બંનેને અનુકુળ આવે તોજ લગ્ન બાબતે વિચારવું. જો બેમાંથી કોઈ એક ના પાડે તો કોઈને કોઈના ઉપર દબાણ કરવું નહિ.

ચાર મહિના પછી નટુભાઈનો પુત્ર કેનેડાથી ઇન્ડિયા આવ્યો. મહેશભાઈની પુત્રીને સાથે તેની મુલાકાત ગોઠવાઈ. બંને રૂબરૂ મળીને એકબીજાને નજીકથી ઓળખવા પ્રયત્ન કર્યો.  થોડાક દિવસોના સહેવાસ પછી બંને એવું નક્કી કર્યું કે તેઓ એક બીજાને માટે યોગ્ય નથી. બંને તેમના પેરન્ટ્સને વાત કરેછે. મહેન્દ્રભાઈ અને નટુભાઈ તેમનો આ નિર્ણય સહર્ષ સ્વીકારી લે છે.

બંનેના પુત્ર-પુત્રીના આ નિર્ણયથી મહેન્દ્રભાઈ અને નટુભાઈના સંબંધોમાં ઓટ આવી નથી. ઉલટાનું બંને સારા મિત્રો બની ગયાં છે, અને બંને એકબીજાના સંતાનો માટે યોગ્ય પાત્ર શોધી રહ્યાંછે.

        ઉપરના બંને પ્રસંગોને જો આપણે તટસ્થતાથી મૂલવીશું તો આપણને એક વાત સમજાશે, કે જો સંબંધો સાચવવા હશે તો બંને પક્ષોએ પોતાનો અહમ છોડવો પડશે. થોડુંક જતું કરવાની ભાવના કેળવવી પડશે. મન મોટું રાખવું પડશે. ખોટી સામાજિક ઈજ્જત અને મોભો ત્યાગીને ડાઉન ટુ અર્થ બનવું પડશે. આપણે કેવા બનવું તે તો આપણેજ નક્કી કરવાનું છે. સમાજમાં આપણી જે પણ છબી છે તેના માટે આપણે અને આપણી માન્યતાઓ જ  જવાબદાર છે.

મનહર ઓઝા

Email- manharguj@yahoo.com

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal Sompura 2 અઠવાડિયા પહેલા

Bhavesh Sindhav 1 માસ પહેલા

Sudhirbhai Patel 2 માસ પહેલા

Rutu Sunny Patel 4 માસ પહેલા

Bhumi Patel 4 માસ પહેલા