ખરેખર કોણ હતા આ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન??
આજકાલ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ફિલ્મની જબરી ચર્ચા ચાલી છે. આ ચર્ચા ચાલવાનું મુખ્ય કારણ છે કે આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ જેવા માતબર બેનર હેઠળ બનાવવામાં આવી છે અને ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં એકસાથે પહેલીવાર રૂપેરી પડદે જોવા મળવાના છે.
જ્યારે આ ફિલ્મની જાહેરાત થઇ ત્યારે ઘણા લોકોને આશા હતી કે ભારતની આઝાદી અગાઉ દિલ્હીથી જબલપુરના રસ્તે ખાસ જોવા મળતા ઠગો વિષે કોઈ રસપ્રદ ફિલ્મ હશે. પરંતુ જ્યારે ગત મહીને આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારની તમામ આશાઓ પર પાણી ફરી ગયું. કેવી રીતે? એની વાત આપણે આ જ આર્ટીકલમાં છેલ્લે કરીશું અત્યારે આપણે જાણીએ કે ખરેખર આ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કોણ હતા.
ઠગો વિષે ભારતમાં બે પ્રકારની માન્યતાઓ પ્રવર્તમાન છે. એક માન્યતા એવી છે કે ઠગો એક પ્રકારે બ્રિટીશરોના દુશ્મનો હતા અને એમની આખી જાતિ બ્રિટીશરોને ભારતમાં પોતાનો વિસ્તાર વધારતા રોકવા માટે સતત પ્રયાસ કરતી રહેતી અને આ પ્રયાસોમાં હિંસક સામનો કરવો પણ સામેલ હતું.
તો બીજી માન્યતા એવી છે કે ઠગો મુસ્લિમ હતા પરંતુ તેઓ દુર્ગા માતાના ભક્ત હતા અને વેશપલટો કરીને એ સમયના ભારતમાં આવેલા વિશાળ જંગલોમાંથી પસાર થતા શ્રીમંત મુસાફરોને મારી નાખીને તેમને લૂંટી લેતા હતા. તો આ પ્રકારની બે માન્યતાઓ વચ્ચે ભારતના ઠગોનો ઈતિહાસ ઝૂલણા ઝૂલી રહ્યો છે એમ કહીએ તો ચાલે.
પહેલા આપણે પ્રથમ પ્રકારની માન્યતા અંગે પ્રકાશ પાડીએ. તો એવું કહેવામાં આવે છે કે જે રીતે આ ઠગોને લુંટારા, ડાકુ અને હત્યારાઓ ચિતરવામાં આવે છે, ખરેખર એવું કશું ન હતું, બલકે બ્રિટીશરોને હિંસક રીતે ભારતમાં આગળ વધતા અટકાવતા હોવાથી પૂરેપૂરી ઠગ કોમ વિષે અંગ્રેજોએ નકારાત્મક પુસ્તકો અને લેખો લખ્યા હતા અને છપાવ્યા હતા અને આજની તારીખે પણ એ લેખો અને પુસ્તકોનો આધાર લઈને આપણે ઠગોને ખરાબ દ્રષ્ટીએ મૂલવીએ છીએ.
જો એક માન્યતાને સાચી માનીએ તો ઠગો માતા દુર્ગાના પરમ ભક્ત હતા અને તેઓની એક ખાસ જાતિ હતી જે અત્યંત ગાઢ જંગલોમાં વસતી હતી. તેઓ જે રીતે તેમનું ચિત્રણ કરવામાં આવે છે એવા હત્યારા, ચોર, લુંટારા કે પછી ડાકુ બિલકુલ ન હતા. બ્રિટીશરો પોતાની સત્તા આગળ વધારતા જતા હતા તેમ તેમ તેઓ જંગલોનો પણ નાશ કરી રહ્યા હતા. આ કારણોસર ઠગોને અંગ્રેજો પ્રત્યે ભારે નફરત હતી કારણકે તેઓ ઠગોની આવનારી પેઢીઓના નિવાસસ્થાન જેવા જંગલોનો નાશ કરી રહ્યા હતા. આમ બ્રિટીશરો વિરુદ્ધના અપરંપાર ગુસ્સાને લીધે ઠગોએ તેમનો હિંસક વિરોધ શરુ કર્યો.
શરૂઆતમાં તો અંગ્રેજોએ ઠગોના હિંસક વિરોધ પર ખાસ ધ્યાન ન આપ્યું, પરંતુ બાદમાં જ્યારે અંગ્રેજો તરફે મૃત્યુઆંક ગંભીરતા પૂર્વક આગળ વધવા લાગ્યો ત્યારે તેમણે ઠગોનો બે રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું. પહેલી રીત તો એ જ હતી કે જેવા ઠગ દેખાય કે એમને મારી નાખવા અને બીજી રીત એ પસંદ કરવામાં આવી કે ઠગોના ચારિત્ર્યનું હનન કરવું.
બીજી રીતમાં એવી રણનીતિ નક્કી કરવામાં આવી કે ઠગો ચોર છે, ડાકુ છે અને પોતાના ફાયદા માટે ઠંડે કલેજે લોકોની હત્યા કરી નાખે છે એવું સાહિત્ય બહાર પાડવું. આમ કરીને બહારની દુનિયામાં તેમજ ભારતમાં ઠગો વિરુદ્ધ એક નકારાત્મક છબી ઉભી થશે અને લોકો જ ઠગોનો નાશ કરવા લાગશે. આ જ રણનીતિના ભાગરૂપે ૧૮૩૯માં ફિલિપ મેડોઝ દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું જેનું નામ હતું ‘કન્ફેશન્સ ઓફ અ ઠગ!’
હવે આ જ પુસ્તકમાં ઠગોને અત્યંત ખરાબ વૃત્તિના ચિતરવામાં આવ્યા અને એટલુંજ નહીં પરંતુ કેટલાક ઐતિહાસિક તથ્યો સાથે પણ ફિલિપ મેડોઝે પોતાના પુસ્તકમાં ચેડાં કર્યા અને તેની સાથે ઠગો અંગેની અત્યંત નકારાત્મક છબીને સાંકળી દીધી જેથી તે સત્ય લાગે. આટલું ઓછું હોય એમ ૧૮૭૧માં બ્રિટીશ પાર્લામેન્ટે ક્રિમિનલ્સ ટ્રાઈબ એક્ટ નામે એક કાળો કાયદો પસાર કર્યો.
આ કાયદા અનુસાર બ્રિટીશ સરકારે ભારતમાં કોઇપણ જાતિને ખતમ કરી નાખવાનું અહીંના વહીવટદારોને લાઈસન્સ આપી દીધું. કોઇપણ જાતિને ગુનેગાર કહીને તે સમગ્ર જાતિનું નિકંદન કાઢવાની છૂટ આ કાયદો આપતો હતો. ખરેખર તો આ કાયદો માત્ર ઠગોને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવ્યો હતો પરંતુ જેમ લીલા સાથે સુકું પણ બળે તેમ ભારતની કેટલીક નિર્દોષ આદિવાસી જાતિઓ પણ આ કાયદાનો ભોગ બની હતી.
ક્રિમિનલ્સ ટ્રાઈબ એક્ટ હેઠળ ઠગોને તો પકડી પકડીને મારવામાં આવ્યાજ પરંતુ બાદમાં તેમના સમગ્ર પરિવારોને પણ અંગ્રેજો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આટલુંજ નહીં પરંતુ તાજા જન્મેલા બાળકોને પણ ઠગ જાહેર કરીને તેને પણ મારી નાખવામાં આવતા હોવાનું ઈતિહાસ કહે છે. બ્રિટીશરો માટે ભારતની જમીનનો એક એક ઇંચ મહત્ત્વનો હતો અને આથી તેઓ તેના પર કબજો કરવા માંગતા હતા. પરંતુ ઠગ જાતિ તેમને આવું કરવા નહોતી દેતી અને અન્ય જાતિઓ કરતા આ જાતિએ તેમને વધુ તકલીફ આપી હતી આથી વધુને વધુ જમીન કબજે કરવા માટે અંગ્રેજોએ ઠગોને મોટી સંખ્યામાં હલાલ કરી નાખ્યા હતા.
સંપૂર્ણ ભારત પર એકહથ્થુ શાસન જમાવવા માટે પહેલા ઠગોને બદનામ કર્યા, પછી સમગ્ર જાતિનું નિકંદન કાઢ્યું તેમ છતાં બ્રિટીશરોને શાંતિ ન મળી. ભવિષ્યમાં ઠગોને બેરહેમીથી મારી નાખવાના પોતાના કાર્યક્રમથી શરમાવું ન પડે તે માટે અંગ્રેજ સરકારે બ્રિટનની કેટલીક યુનિવર્સીટીઓને ફંડ આપ્યું જેનો ઉપયોગ તેમણે માત્ર એવા સંશોધનો પર કરવાનો હતો જે ઠગોને અત્યંત ક્રૂર ચીતરે અને બ્રિટીશરોને ભારતીયોને આ ઠગોની ક્રુરતામાંથી બચાવનારા મસીહા તરીકે ચીતરે.
ઉપરના કારણોસર જ એવું કહેવાય છે કે આજે પણ ભારતમાં ઠગનું નામ પડતાની સાથે જ લોકોમાં એક અકલ્પનીય ભય વ્યાપ્ત થઇ જાય છે અને ઠગ એટલે ક્રિમીનલ એવું ચિત્ર તેની સમક્ષ ખડું થઇ જાય છે. જો કે આ માટે સામાન્ય ભારતીયને દોષ ન દઈ શકાય કારણકે તેને શિખવવામાં જ એવું આવ્યું છે કે ઠગ એટલે ગુંડો, લુંટારો અને ડાકુ જે લોકોની હત્યા કરતો ફરતો હતો.
હવે આવીએ બીજી માન્યતા પર જે અંગ્રેજોએ ફેલાવેલા જૂઠ સાથે મેળ ખાય છે. આ માન્યતા પર ગુજરાતી સાહિત્યના મહાન નવલકથાકાર હરકિસન મહેતાએ ચાર ભાગમાં ‘અમીરઅલીની પીળા રૂમાલની ગાંઠ’ નામની નવલકથા લખી હતી જે અત્યંત લોકપ્રિય થઇ હતી અને આજે પણ ક્રાઈમ બેઝ પર સરળ ભાષામાં નવલકથા કેવી રીતે લખી શકાય તે માટે પીળા રૂમાલની ગાંઠ ઉદાહરણરૂપ ગણાય છે.
આ નવલકથામાં અમીરઅલી ખુદ ઠગ દર્શાવવામાં આવ્યો છે જેનું અપહરણ તેના બાળપણમાં તેના પિતાએ કર્યું હોય છે. અમીરઅલીનો પિતા ઠગની ટોળીનો સરદાર હતો અને તેના મૃત્યુ બાદ તેની અસંખ્ય કોશિશો બાદ કે અમીરઅલી આ ધંધાથી દૂર રહે અમીરઅલી તેનું સરદારનું સ્થાન પોતાના હાથમાં લઇ લે છે. આ નવલકથામાં ઘણી એવી ઘટનાઓ વર્ણવી છે જે આપણને ઠગોના સ્વભાવ અને તેમના ધંધા વિષે સારીએવી માહિતી આપી જાય છે.
અમીરઅલીની પીળા રૂમાલની ગાંઠ અનુસાર ઠગોની એક ટોળી હોય છે જેમાંથી કેટલાક લોકો આજના શબ્દોમાં કહીએ તો સાદા વેશમાં કોઈ શ્રીમંત વેપારીને ત્યાં જઈને ‘રેકી’ કરે છે અને તે પોતાનો માલસામાન વેંચવા કયા શહેરમાં કયા રસ્તેથી જવાનો છે એની જાણકારી લઇ લે છે. ત્યારબાદ આ જાસૂસો પોતાના સરદારને આ માહિતી આપે છે.
મજાની વાત એ હોય છે કે આ રેકી કરનારા જાસૂસો કે ઠગો અને તેમના સરદાર એટલી સરળતાથી સામાન્ય લોકોમાં ભળી જતા હોય છે કે કોઈનેય તેમના ઠગ હોવાની શંકા નથી જતી. બીજું, એ સમયમાં ઠગોનો ખોફ હોવા છતાં અજાણતામાં જ આ લોકો પોતાનો આવનારો કાર્યક્રમ કહી દે એવી અસંખ્ય યુક્તિઓ આ ઠગો જાણતા હોય છે અને તેનો ઉપયોગ તેઓ કરીને જોઈતી માહિતી કઢાવતા હોય છે.
હવે આ ઠગોનો સરદાર જ્યારે પોતાનું ટાર્ગેટ નક્કી થઇ જાય પછી એને કઈ જગ્યાએ લુંટવો અને તેને મારી નાખવો તે નક્કી કરે છે. નક્કી સમયે પોતે પણ જાણેકે વેપાર કરવા નીકળ્યા હોય કે પછી ઘણીવાર તો કોઈ સાધુની ટોળી હોય એવા વેશમાં પણ ટાર્ગેટ કરેલા શ્રીમંત વ્યાપારીએ રાત્રે આરામ કરવા જ્યાં પોતાનો કેમ્પ સ્થાપ્યો હોય છે ત્યાં આવી પહોંચતા અને પોતાની મીઠી વાણીમાં કાં તો વેપારીના કેમ્પમાં કે પછી પોતાના કેમ્પમાં સાથે ભોજન કરે છે.
કોઈકવાર ભોજન બાદ શરાબ અને શબાબની પણ મોજ થાય અને ઠગના સરદારના ઈશારે જેને અમીરઅલીની પીળા રૂમાલની ગાંઠ નવલકથામાં ‘જીરણી’ કહી છે, ઠગોની આખી ગેંગ પેલા વ્યાપારીના જેટલા માણસો હોય તેની પાછળ ગોઠવાઈ જાય છે જ્યારે ઠગોનો સરદાર મૂળ વ્યક્તિની આસપાસ રહે છે અને જેવો એ ઈશારો કરે કે તરતજ પહેલેથી ગાંઠવાળીને તૈયાર રાખેલા રૂમાલને એમના ગળામાં ભેરવી દઈને એમને ટુંપો દઈ દેતા અને મરણશરણ કરી દેતા.
ઠગોથી લોકો વધારે એટલા માટેજ ગભરાતા કારણકે તેઓ માત્ર પોતાના ટાર્ગેટને લુંટીને છોડી ન મુકતા પરંતુ તેમને મારી નાખતા અને પછી જ દમ લેતા. ઠગો માટે લુંટનું એટલુંજ મહત્ત્વ હતું જેટલું તેમના શિકારની હત્યા કરવી. આટલુંજ નહીં પરંતુ શિકારને ખતમ કર્યા બાદ ઘટના સ્થળ પર જ જેટલા પણ લોકોને મારી નાખવામાં આવ્યા હોય તેમને તેમની સંખ્યા અનુસાર ઉંડા ખાડા ખોદીને દાટી દેવામાં આવતા.
ઠગોની ટોળીમાં લાશોને દાટવા માટે ખાડો ખોદવા અને દાટવાની વિધિ પૂર્ણ કરવા માટે ખાસ માણસો રાખવામાં આવતા. લુંટ ચલાવ્યા બાદ ટોળીના દરેક સભ્યને તેના કામ અને મહત્ત્વ અનુસાર લુંટનો હિસ્સો મળતો. ઘણીવાર પોતાને મળેલો હિસ્સો પોતે કરેલા કાર્ય કરતા ઓછો હોવાનો અસંતોષ પણ ઠગોની ટોળીમાં ઉભો થતો ત્યારે સરદાર વિરુદ્ધ આમ તો મૂંગા રહેતા સાથીદારો પોતાનો માનસિક કાબુ ગુમાવીને ઝઘડી લેતા. આ પ્રકારના મોટાભાગના કિસ્સાઓમાં સાથીદારે જ જીવ ગુમાવવાનો આવતો.
હવે વાત કરીએ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ફિલ્મ વિષે...
જેમણે પણ ભારતના ઠગો વિષે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે પછી જે ગુજરાતીએ હરકિસન મહેતાની અમીરઅલીની પીળા રૂમાલની ગાંઠ નવલકથા વાંચી હશે તેણે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર જોઇને ઠગાયાની લાગણી જરૂર અનુભવી હશે. હવે તો તમે પણ ઠગોનો ઈતિહાસ ખરેખર શું હતો અને બ્રિટીશરોએ તેમની છાપ આપણા મન પર કેવી પાડી એના વિષે જાણી લીધું અને હરકિસન મહેતાની એ અતિશય લોકપ્રિય નવલકથામાં પણ ઠગો વિષે કઈ જાતની કલ્પના કરવામાં આવી છે એ પણ જાણી લીધું છે.
હવે તમે ફરીથી ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર જોશો તો કદાચ તમે પણ તમારું કપાળ કૂટો તો આશ્ચર્ય નહીં થાય. પહેલીવાત તો એ જ કે આ ઠગો માત્ર જમીન પર જ લુંટ ચલાવતા, જો ખરેખર તેઓ ચોર, લુંટારા કે પછી ડાકુ હતા, જેવી છબી અંગ્રેજોએ પાડી છે. જ્યારે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ફિલ્મમાં સમુદ્રના લુંટારાઓની વાર્તા કરવામાં આવી છે એવું તેના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે.
હવે સમુદ્રના લુંટારાઓને ગુજરાતીમાં ચાંચીયા કહેવામાં આવે છે અને હિન્દીમાં પણ તેમને સમુદ્રી લુટેરે કહીને સંબોધન કરવામાં આવે છે. જો ફિલ્મમાં સમુદ્રી લુંટારાઓની જ વાત કરવાની હતી તો પછી એમને ઠગ્સ નામ કેવી રીતે આપી શકાય એ એક મોટો પ્રશ્ન છે. બીજું ટ્રેલર પરથી જેટલું જાણી શકાયું છે એ મુજબ અમિતાભ બચ્ચનની ભૂમિકા એક એવા ઠગ એટલેકે ચાંચીયાની છે જે બ્રિટીશરોનો હિંસક વિરોધ કરે છે.
તો અહીં યશરાજ ફિલ્મ્સ દ્વારા એવી ભેળસેળ કરવામાં આવી છે કે ઐતિહાસિક તથ્ય અનુસાર ઠગો અંગ્રેજોનો વિરોધ કરતા એટલે નામ તો ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આપી દેવામાં આવ્યું પરંતુ આખેઆખી વાર્તા સમુદ્રી ચાંચિયાઓ પર આધારિત કરી દીધી! ચીટીંગ ચીટીંગ ચીટીંગ!!! ઠગ અને ચાંચિયા બંને અલગ પ્રકારના લુંટારાઓ હતા અને એ બંનેના કાર્યક્ષેત્ર વચ્ચે જમીન અને પાણી જેટલો ફરક છે.
કદાચ ફિલ્મની ટીમનો વિચાર હોલિવુડની પ્રખ્યાત પાયરેટ્સ ઓફ કેરેબિયન પ્રકારની ફિલ્મ આપવાનો હતો અને ટ્રેલર જોઇને એ ફિલ્મ સાથે લોકો સરખામણી પણ કરવા લાગ્યા છે, પરંતુ તો ઠગ નામ આપીને આખી વાર્તાનું મૂળ જ ફેરવી નાખવાનું? જો પાયરેટ્સ એટલેકે ચાંચિયાઓ પરની ફિલ્મ ‘દેખાવડી’ લગતી હોય તો ખરેખરા ઠગો પરની ફિલ્મો પણ ઓછી દેખાવડી ન લાગત. કારણકે ઠગોનો પનારો પણ આપણે જાણ્યું એ રીતે શ્રીમંતો સાથે જ પડતો.
ચલો, છેવટે એટલુંજ કહીએ કે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન જેવું ટાઈટલ રાખીને યશરાજે ઠગોને અંગ્રેજો બાદનો સહુથી મોટો અન્યાય કર્યો છે. જો ઠગો વિષે સત્ય દર્શાવતું સાહિત્ય મળે તો તેને જરૂર વાંચવું જોઈએ અને જો એ ન મળે તો હરકિસન મહેતાની અમીરઅલીની પીળા રૂમાલની ગાંઠ નવલકથાના ચારેય ભાગ જરૂર વસાવી લેવા જોઈએ!
***