અમીનો અરૂણ
"હે ભગવાન, હવે તો ખમા કર. હજી તું કેટલી માસુમ જીંદગીનો ભોગ લઈશ? કે પછી તુંય નિર્દયી બન્યો છે, શું? ના, ના, પ્રભું! તું તો આટલો દયાવિહીન હોઈ જ ના શકે! સર્જક જ સંહારક શી રીતે બની શકે? તારું આ અનમોલ સર્જન તને ભૂલીને કપટી કાળની વાહે ભટકે છે એનું જ આ પરિણામ હશે, શાયદ! પરંતું હે ઈશ્વર! શું તારુંય આ કળજુગડા આગળ કશું નહી ચાલતું તે આ કળિડો આટલો ક્રુર ને ઘાતકી બન્યો છે?"
મહાધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. સુરતની આસપાસની સારી ધરતી બેટમાં ફેરવાઈ ચૂકી હતી. ચોફેર પાણી જ પાણી. વરસાદની ઝડીઓ એટલી જોરથી વરસી રહી હતી કે ટ્રેન ઊભી ઝે કે રફ્તારે છે એનીયે ખબર નહોતી પડતી. બહારના સાવ ધુંધળા વાતાવરણને જોતો, સુરતમાં આવેલા મહાભયાનક પૂરની વિનાશતને નિહાળતો અરૂણ ઉપર મુજબના વાક્યો મનમાં રટી રહ્યો હતો. એ કોઈ અગમ્ય ખયાલોમા એવો તો ઓતપ્રોત થઈ ગયો હતો કે લગભગ બેભાનાવસ્થામાં જોઈ લો! એની સામેની સીટ પર બેઠેલા એક આધેડ વયના કાકાએ પોતાના ખેસનો એક છેડો- જે બારીમાં ભરાઈ જવાથી પલળી ગયો હતો એ જોરથી ઝાટક્યો. જેની બર્ફીલી બુંદો અરૂણના ચહેરે ટકરાઈ અને એ વિચારભંગ થયો.
અરૂણ અમદાવાદથી મુંબઈની સફરે હતો. ઘેરથી નીકળ્યો ત્યારે અમદાવાદનું આકાશ કોરુંધાકોર હતું. પરંતું સુરત લગી પહોંચતા તો વરસાદે બરાબરની રમઝટ મચાવી દીધી હતી. એવો ઝંઝાવાતી વરસાદ તો એણે જીંદગીમાં ક્યારેય નહોતો જોયો.
જીંદગી અને સૃષ્ટિ વખત આવ્યે કેવા-કેવા ખેલ ખેલે છે એના સાવ વાસ્તવિક દશ્યો એ પોતાની નજરે નિહાળી રહ્યો હતો. ને પોતાના અંતરને કોષી રહ્યો હતો. વિધાતાનું એક સ્વરૂપ જીંદગીને કેવા-કેવા અને કેટ-કેટલા રૂપે હીબકાવે છે એ વિચારે એના ઉરમાંથી વિધાતા પ્રત્યેના ઊંડા તથા લાંબા નિ:શાસા નીકળી રહ્યાં હતાં. જેની ઉષ્માથી ડબાનું આંતરિક વાતાવરણ ગરમ-ગરમ લાગી રહ્યું હતું.
સુરતના રંગીન સ્ટેશને ટ્રેન અટકી. થોભવાની હજી વાર હતી ને એટલામાં તો કેટલાંય ડઝન લોકો ડબ્બામાં મચ્છરની માફક ધસી આવ્યા. અરૂણ ફરી કોઈ ધૂનમાં ગરકાવ થયો. એવામાં ભયંકર ભીડને ચીરતી એક યુવતી સરરર કરતી આવીને અરૂણની પડખેની ખાલી જગ્યામાં ભરાઈ ગઈ. અને એણે રાહતનો ઊંડો દમ ભર્યો.
એ યુવતીનું શરીર ધ્રુજતું હતું અને મન બેબાક બની કંપી રહ્યું હતું. શરીર એટલા માટે ધ્રુજતું હતું કે વરસાદી ઠંડકતા એને ચુમી રહી હતી. ને મન એટલા ખાતર ભય પામી રહ્યું હતું કે આવા ભીષ્ણ ઝંઝાવાતી વરસાદી વાતાવરણમાં એ એકલી ઘેર કેવી રીતે પહોંચશે? એને ડર હતો એના પલળેલા જીસ્મને વરૂની માફક તાકી રહેલા માણસોનો. વરસાદી ઠંડક અને શરીરની ધ્રુજારી ઓછી કરવા એ અરૂણને ભીડાવા લાગી, લગોલગ ભીડાઈ ગઈ! અરૂણના શરીરની નિર્દોષ હુંફ મળતાં જ એ તેના ખભા પર માથું ઢાળી બેઠી.
એ ટ્રેનમાંથી ઊતરી ત્યારે અરૂણને જાણ થઈ.
અરૂણને વહાલી એક અમી હતી.
એ બંને જીગરજાન આશિક હતાં. પ્રેમની રળિયામણી મુલાકાતના નિર્દોષ ભોજન જમતા અને વહાલની વાતોના મધુર નિર્મળ નીર પીતા હતાં. કોલેજના પ્રથમ દિવસે જ એમના દિલમાં એકમેક પ્રત્યે વહાલના વાવેતર થઈ ચૂક્યા હતાં. પ્રથમ પરિચયે જ એ બે એક બની ગયા હતાં.
સમય ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હતો. મધુર મુલાકાતો દિવસે દિવસે જવાન થતી જતી હતી. મિલનમાં રોજ વિવિધતા રહેતી કિન્તું મિલનનું સ્થળ એ નું એ જ રહેતું. આખરે એમનું એ મિલન સ્થળ એ બંનેના પ્રણય વિજોગનું કારણ બની ગયું. જેમ વરસાદની આગોતરી જાણ થતાં જ ખિસકોલી પોતાના બચ્ચાઓને સહીસલામત જગ્યાએ ખસેડી દે છે એમ જ માણસોએ પણ જીવનમાં સભાનતા કેળવી લેવી જોઈએ. નહીં તો સમય વહી જશે કિન્તું સ્થળ જે અચલ છે એ દગો દીધા વિના રહેતું નથી.
પોતાની વચેટ પુત્રી અરૂણ નામના આશિકની આગોશમાં મશગૂલ છે, એ મહોંરાતી જતી જવાનીમાં એના પ્રેમના સૌંદર્યબાગમાં જઈને રોજ મિલનની નવી-નવી મહેફિલ સજાવે છે એની જાણ થતાં જ અમિનેષના નાકની ટેરવી લારચોળ બની ગઈ. અમિનેષ અમદાવાદની એક મોટી કંપનીમાં મેનેજર હતો. ઊંચો પગાર હતો. દીકરીના પ્રણયફાગની જાણ થતાં જ એ ઉકળી ઊઠ્યો. તત્ક્ષણ બે જ દિવસમાં અમદાવાદથી મુંબઈમાં પોતાની ટ્રાન્સફરન્સી કરાવી દીધી. ઘરના કુલ પાંચ સભ્યોમાંથી એમના સિવાય કોઈનેય ગંધ ન આવી કે ક્યાં કારણથી આટલી ઝડપથી બદલી થઈ છે!
પોતાના પિતાની બદલી થઈ છે કે કરાવવામાં આવી છે એની જાણ અમીને થાય અને અમી એના આશિકને એ વાવડ પહોંચાડે એ પહેલા તો એને નજરકેદ કરીને મુંબઈ પહોંચાડી દીધી. મુંબઈ ગયા બાદ અમીને ઘટેલા કાવતરાની ગંધ આવી.
મુંબઈ ગયા બાદ અમી પર પહોરો ગોઠવાઈ ગયો. ઘેરથી બહાર નીકળવાનું સદંતર બંધ.
આબરૂ નામના ખતરનાક ભૂતાવળે કંઈ કેટલાંય નિર્દોષ પ્રણયના માસૂમ પુષ્પોને અકાળે ખેરવી નાખ્યા છે.
જ્યાં રોજ પ્રેમની જહોજલાનીના ભવ્ય પર્વો ઊજવાતા હતાં, મિલનની જ્યાં મદભર મોસમ ખીલતી હતી ને લાગણીની જ્યાં પુષ્કળ વાવણી થતી હતી એવા પોતાના પ્રિતમિલનના ઠેકાણે અરૂણ ચાર ચાર દિવસથી ઉકળતા ઉરે ઈંતજાર કરતો રહ્યો પરંતું અમીનું કોઈ પંખેરું મળ્યું નહી.
આખરે અમી વિનાની જીંદગીથી તંગ આવીને એણે એકવાર આંબાવાડી વિસ્તારમાં આવેલા અમીના ઘર ભણી પ્રયાણ આદર્યું. ત્યાં અમીના દરવાજે જાપાની તાળું લાગેલું જોઈ એણે પડોશીઓને એ વિશે પૂછ્યું. પડોશીઓનો ઉત્તર સાંભળીને એના હૈયામાં ભયંકર સુનામી સર્જાઈ. 'એ લોકો અમદાવાદ છોડીને જતાં રહ્યાં છે.' આ એક વાક્યએ અરૂણના અસ્તિત્વને વેરણછેરણ કરી મૂક્યું.
એ સીધો જ ત્યાંથી અમીનેષની કંપનીએ ગયો. ત્યાંથી અમીના પિતાજીનું સરનામું મેળવીને એ સીધો જ મુંબઈની વાટે થયો.
વરસાદે આરામ ફરમાવી હતી. ઠપ્પ થઈ ગયેલી મુંબઈ નગરી ફરી રફ્તારે ચડી હતી. લોક ચોફેર હિલ્લોળાઈ રહ્યું હતું. એક પા મેઘરાજા બધે જળબંબાકાર કરી બેઠા હતાં તો બીજી બાજું દરિયો જાણે અપ્સરાસમી મોહમયી નગરીને ગળી જવા માગતો હોય એમ ઊંચા-ઊંચા મોજાં ઊછાળી રહ્યો હતો.
વાતાવરણમાં ગરમી ભળવા લાગી હતી. એ વરસાદી ઉકળાટમાંય બોરીવલી રેલસ્ટેશને માણસ નહોતું સમાતું. માણસો જાણે કીડીયારું ઊભરાયું ન હોય!
અમદાવાદથી નીકળેલી ટ્રેન ત્રણના ટકોરે બોરીવલી આવી ઊભી રહી. આવા વરસાદી વાતાવરણમાં લોકો કરતા ટ્રેન હેમખેમ મુંબઈ આવી પહોંચી હતી એ બાબતે એ પોતે ખુશ હતી. ઊતારૂઓ ઊતરી ગયા. કિન્તું અરૂણ હજી સ્વપ્નોની મુસાફરીમાં જ હતો. એક કાકાએ જ્યારે એને હેતથી ઢંઢોળીને જગાડ્યો ત્યારે એણે આંખ ખોલી. એણે ચોફેર નજર ફેરવીને જોયું તો એ મુંબરી નગરીમાં હતો.
જેમ ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂકીને નીલઆર્મસ્ટ્રોંગ ખુશખુશાલ બની ગયો હતો એમ અરૂણ મુંબઈની અજીબોગરીબ ધરા પર પગ મૂકીને બાગ-બાગ બની ઊઠ્યો. પરંતું એની ખુશી ઝાઝીવાર એના ચહેરાને કે દિલને ખુશ કરી શકી નહી. એને તરત જ અમી સાંભરી. અને એ ઉદાસીના દરીયે ગરકાવ થયો.
ઘરની જેલથીયે બદતર દશામાં રહીને અમી વાજ આવી ગઈ હતી.
એક બપોરે સૌ આરામ ફરમાવી રહ્યાં હતાં ત્યારે લાગ જોઈને એણે પોબારા ગણ્યા. માર્કેટમાં ગળાનો હાર વેચીને પૈસા ઊભા કર્યા. ત્યાંથી સીધી જ એ બોરીવલી સ્ટેશને આવી ઊભી રહી.
આકુળવ્યાકૂળ બનીને એ અરૂણને શોધવાની મથામણ કરવા લાગી. મન માણીગર સાહ્યબાને મળવા થનગની રહ્યું હતું ને તન એની સાથે પ્રચુર પ્રેમથી ભેટવા કાગારોળ મચાવી રહ્યું હતું. પ્રીતઘેલી અમી એટલી તો અરૂણમય બની ગઈ હતી કે અત્યારે જો ખુદ ઈશ્વર એની સન્મુખ આવી જાય તો એમનેય પળવાર માટે જાકારો આપી દે! સમય સરરરાટ કરતો વહી રહ્યો હતો. ઘડીભર રહીને એને ભાન થયું કે અહીં અરૂણ ક્યાંથી?
આકાશમાં વાદળીઓ વેરવિખેર બની રહી હતી. સૂર્ય એને ઘેર જાય એ પહેલા અમદાવાદમાં પોતાના અરૂણને બેય કીકીઓમાં ભરવા આતુર હતી. એવામાં અચાનક એની નજરે અમદાવાદ જતી ટ્રેન ચડી. જીવમાં જીવ આવ્યો. એણે સફાળે દોટ મૂકી. હજું તો માંડ ચારેક ડગલા માંડ્યા હશે ને એ પાટામાં ફસડાઈ! એક પગ રેલના પાટામાં ફસાયો. જીવ અમદાવાદ જવા થનગની રહ્યો હતો ને પગ રેલના પાટાને પ્રેમ કરી બેઠો. પગ કાઢવાની કોશિશમાં એણે ન્યુટનની ગતિના બધા જ નિયમો કામે લગાડી જોયા પણ વ્યર્થ! શાયદ, અત્યારે ન્યુટન જીવતો હોત તો એનેય નવા નિયમો શોધવા પડત કે રેલવેના પાટામાં ફસાયેલ પગને કાઢવા ક્યું બળ કામ લાગે?
અમી એકલી અસહાય બનીને મથી રહી હતી. આખરે એ થાકીને લોથપોથ થઈ. એના ગળામાંથી ચિત્કાર નીકળી ગયો. એ દર્દનાક ચિત્કાર પ્લેટફોર્મને ગજવી ગયો. અમદાવાદ તરફ અરૂણને મળવા ઉપડી ગયેલું મન અડધેથી જ અવળું ફર્યું. અમી જ્યાં પડી હતી ત્યાં આવ્યું. પગને પાટો કે પાટાને છોડવા સ્હેંજેય તૈયાર નહોતા.
પ્રિયતમને મળવા આતુર વિરહીણી વિજોગી ક્ષણોને હરાવવા નીકળેલી અમી અનાયાસે જ અહીં મૃત્યુથી હારી બેઠી. મનમાં જ બબડી:" હેય મૃત્યું! તને તો હું ઘેરથી નીકળી ત્યારે કોમળ મુઠ્ઠીઓમાં લઈને નીકળી હતી કિન્તું તું જ અભાગિયાને મારી હથેળીમાં રહેતાં જ ન આવડ્યું. જો મારા પગમાં આવી પડ્યુ. ફટ રે ભૂંડા..! તારે મારી સાથે આવી છેતરપીંડી કરવી જ હતી તો મને કોઈ અણસાર તો આવવા દેવો હતો! અરે જા! હવે તને કોઈ જ આજીજી નથી કરવી. પરંતું એકવાર, એકવાર મને મારા જીવનસાથી એવા અરૂણ સાથે મનભરીને મળી લેવા તો દેવી હતી! મારી આ વિરહથી તરબત્તર આંખોને મારા વહાલમના આખરી દીદાર તો કરવા દેવા હતાં?" ફરી એના ગળેથી હૈયાફાટ રુદન નીકળી ગયુ.
ટ્રેનમાંથી ઊતરીને અનાથની જેમ ઊભેલો અરૂણ ભરચક ભીડમાં અમીને ખોળવા લાગ્યો. અચાનક બાઘા બનેલા એના કાને એ ચિત્કાર અથડાયો. એ ચિત્કાર એણે પારખ્યો. એના ઉરમાં બિહામણી ફાળ પડી. એ દોડતો ત્યાં આવી પહોચ્યો જ્યાં અમી એના પગના મરશિયા ગાઈ રહી હતી.
"અમી....! અમી.....!" ફાટી આંખે અને ચીરાયેલા હૈયે એ અમીને ભેટી પડ્યો.
દૂર દૂ..ર જણાતી ટ્રેન અજગરની માફક એ બંનેના મોતનો કોળિયો કરવા નજીક ને નજીક આવી રહી હતી.
- અશ્ક રેશમિયા