Name: Pallavi Jeetendra Mistry
Email: hasyapallav@hotmail.com
લક્ષ્મણ રેખા
-ઓય મા, રસોડાના સીંક નીચેની કચરાપેટીમાં કચરો નાંખવા જતા રોમાથી હળવી ચીસ નખાઈ ગઈ. એના હાથમાંથી કચરો ભરેલી સૂપડી છટકી ગઈ અને કચરો રસોડામા આમ તેમ વેરાયો.
-શું થયું? દિવાનખાનામા બેસીને ન્યૂઝ વાંચી રહેલો હર્ષદ રસોડામા આવ્યો. રસોડામા વેરાયેલા કચરાને જોઇને એણે ફરીથી પૂછ્યું, ‘શું થયું?’
-જુઓને, કેટલો મોટો વાંદો! ત્યાં કચરાપેટીની પાછળ. રોમાએ આંગળી ચીંધીને કહ્યું.
-ઓહ! ચીસ તો તેં એવી પાડી કે જાણે ઘરમાં વાઘ ઘુસી આવ્યો હોય.
-તમે ય શું? ઘરમાં વાઘ ક્યાંથી ઘુસી આવવાનો હતો? એ તો વાંદો હતો.
-તું આખ્ખો દિવસ ઘરમાં બેસીને કરે છે શું? ઘર ચોખ્ખું રાખતી હોય તો કમ સે કમ વાંદા તો નહીં થાય ઘરમાં. હર્ષદે થોડી રુક્ષતાપૂર્વક કહ્યું.
-દર બે અઠવાડિયે રસોડાના બધા કબાટો સાફ કરું છું, અને ફિનીટ પણ છાંટુ છું. છતાંય ઘરમાં વાંદા ક્યાંથી આવી જાય છે તે જ ખબર નથી પડતી.
-આમ પણ તને કઈ વાતની ખબર પડે છે? હરવા ફરવા અને ગામ ગપાટામાંથી તને ફુરસદ મળે તો ને? સાવ ફુવડ છે તું.
કહીને હર્ષદ પાછો દિવાનખાનામાં પેપર વાંચવા જતો રહ્યો. અને હર્ષદના વાકબાણથી ઘવાયેલી રોમાની આંખોમાં આંસુ ઊભરાયા. એના મનમાં મંથન ચાલ્યું. ’’શું હું ખરેખર ફુવડ છું? સ્ત્રીઓને ઘરમાં કેટકેટલાં કામો હોય, પુરુષોને શું ખબર પડે? ઘરની સાફ-સફાઈ ઉપરાંત શાકભાજી – અનાજ – કઠોળ – કરિયાણું -મસાલા લાવવાના, સાફ કરીને- સમારીને વ્યવસ્થિત ભરવાના, ઘરનાની, સગા-વહાલાઓની તથા મહેમાનોની સગવડ સાચવવાની. વ્યવહારો સાચવવાના, લાઈટ બીલ - ગેસબીલ ભરવા જવાનું. એક પતે ત્યાં બીજા બાર કામ તૈયાર જ ઉભા હોય.
આ બધાં જ કામો પોતે એકલી, સમયસર અને કુશળતા પૂર્વક કરતી આવી છે. હર્ષદને તો સવારે ૧૦ થી સાંજે ૬ સુધીની નોકરી. નોકરી પતી અને ઘરમાં આવ્યા એટલે એ તો રાજા. એ પોતે કંઈ કામ કરે નહીં અને રોમા એને કંઈ કામ સોંપે તો એને ગમે પણ નહીં. શનિવારે અર્ધો દિવસ અને રવિવારે આખો દિવસ છુટ્ટી. એને પગાર સહિતનો આરામ અને પોતાને વગર પગારની, છુટ્ટી વિનાની ચોવીસ કલાકની નોકરી. એનો પણ વાંધો નહીં, પોતે સહર્ષ સ્વીકારે, પણ એક માણસ ક્યારેક તો બીજા માણસ પાસે એપ્રીશીયેશનની આશા રાખે કે નહીં? ક્યારેક જરાક અમથું સ્માઈલ, કે જરાક હળવો પ્રેમભર્યો સ્પર્શ? પણ ના, પોતાનાં તો કરમ જ ફુટેલા તે હર્ષદને પરણીને આ ઘરમાં આવી.’’
-શું થયું બેન, કચરો કેમ કરતાં વેરાયો? રોમા ન જાણે ક્યાં સુધી આમ વિચારોના વમળમાં અટવાયા કરત, પણ એની કામવાળીએ આવીને એને કચરો વેરાયાનું કારણ પૂછ્યું અને રોમાની વિચાર ધારા તૂટી.
-જો ને, અહીં કચરાપેટી પાસે એક મોટો વાંદો છે.
-દવા છાંટી દઉં બેન? મરી જશે.
-મેં દસ મિનીટ પહેલાં જ ફિનીટ છાંટ્યું છે, છતાં મૂવો મરતો જ નથી.
-બેન, બજારમાં ‘લક્ષ્મણરેખા’ મળે છે, તે લાવીને અહીં દોરી દો. જેવો વાંદો એ લક્ષ્મણરેખા ઓળંગશે કે તરત જ મરી જશે.
રોમાએ કામવાળી પાસે બજારમાંથી લક્ષ્મણરેખા ની સ્ટીક મંગાવી, અને કીચનમાં સીંક નીચેના કબાટમાં કચરાપેટી પાસે એની લાઈન દોરી દીધી. વાંદો એ રેખા પાર કરીને આ બાજુ આવ્યો અને થોડી જ વારમાં મરી ગયો. કામવાળી કામ કરીને ગઈ અને હર્ષદ જમીને ઓફિસે ગયો,પછી એકલી પડેલી રોમા ફરી વિચારોના ચગડોળે ચઢી. એને કામવાળીના શબ્દો, ‘લક્ષ્મણરેખા ઓળંગશે એટલે મરી જશે.’ વારંવાર યાદ આવવા લાગ્યા. ‘શું પોતે પણ સમાજે દોરેલી લક્ષ્મણરેખા નહોતી ઓળંગી? શું પોતે પણ નહોતી મરી? હર્ષદ સાથેનું આ જીવન, જીવન ઓછું અને મૌત વધારે નથી?’ અને રોમા પોતાના ભૂતકાળમાં સરી પડી.
મમ્મી - પપ્પા, નીતાબેન - સુરેશભાઈ ના ઘરે રોમા ખુબ જ લાડ કોડથી ઉછરી. લગ્નના પાંચ વર્ષ બાદ જન્મેલી રોમા, મમ્મી - પપ્પા બન્નેની લાડકી દિકરી હતી. એટલે એ પાણી માંગે તો દૂધ હાજર થતું. રોમા હતી પણ પરાણે વહાલી લાગે એવી રૂપકડી. દેખાવે સુંદર અને સ્વભાવે ચબરાક. પાંચ વર્ષની થઈ એટલે સ્કુલમાં મૂકી તો ત્યાં પણ પોતાની હોંશિયારીને લીધે શિક્ષકોમાં પ્રિય થઈ. બીજા બધા છોકરાઓને એમના મા બાપે ભણવા બેસવાનું કહેવું પડતું, ત્યારે રોમા ઘરે આવીને પોતાની મેળે હોમવર્ક કરી લેતી.
સુરેશભાઇ - નીતાબેનને એક છોકરાની – વારસદારની ઝંખના હતી, જે રોમા સાત વર્ષની થઈ ત્યારે પૂરી થઈ. એમને ત્યાં દિકરાનો જન્મ થયો. રોમાને એક નાનકડો ભાઇ મળ્યો, એ ખુશખુશાલ થઈ ગઈ. એણે જ ભાઈનું નામ ‘આનંદ’ પાડ્યુ. ઘરમાં ફરીથી ખુશીની લહેર ફરી વળી. સુરેશભાઈ અને નીતાબેનના આંનદનો કોઈ પાર નહોતો. આનંદ આ ઘરમાં આનંદ લઈને આવ્યો હતો.
પણ ભગવાન પણ એક અજબ ગજબનો ખેલાડી છે. એ બધાંને બધું સુખ એક સામટું નથી આપી દેતો. ઢગલા બંધ સુખની વચ્ચે એકાદ એવું કાતિલ દુ:ખ એવું મૂકી દે કે જીવતે જીવ માણસને મરી ગયાનો અહેસાસ થાય. રોમાના ઘરમાં પણ એવું જ બન્યું. નીતાબેને એક દિવસ સુરેશભાઈને કહ્યુ, ‘જુઓને, આપણે બોલાવીએ ત્યારે આનંદ જોઈએ એવો રિસ્પોન્સ નથી આપતો. સુરેશભાઈને પણ એ બાબતે થોડો શક તો પડ્યો જ હતો, પણ સંવેદનશીલ નીતાબેનને એ બરાબર ઓળખતા હતા, એટલે એમને સાંત્વન આપતાં કહ્યું, ‘નીતા, કોક છોકરું ઝડપથી શીખે તો કોક છોકરું ધીમે ધીમે શીખે. આપણી રોમા ખુબ ચપળ હતી, ખાતા,ચાલતા અને બોલતા બધું ઝડપથી શીખી ગઈ હતી. એટલે આનંદ તને ધીમો લાગતો હશે. પણ તું અધીરી ન થા, સમય આવ્યે એ પણ બધું જ શીખી લેશે. બધું બરાબર થઈ રહેશે, ધીરજથી કામ લે અને ઉપરવાળા પર શ્રધ્ધા રાખ.”
સુરેશભાઈની વાત નીતાબેનને ગળે તો ન ઉતરી પણ ત્યારે તો એમને પોતાનું મન મનાવ્યું. પણ થોડા દિવસો બાદ સુરેશભાઈને પોતાને જ નીતાબેનની વાત સાચી લાગી. એટલે તેઓ તરત આનંદને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટને ત્યાં લઈ ગયા. ડોક્ટરે આનંદને બરાબર તપાસીને કહ્યું, ‘તમારા બાળકની માનસિક પ્રગતિ ખુબ ધીમી છે, એને લીધે શારિરીક વિકાસ પણ ઓછો છે.’ ‘એનો ઈલાજ શું? નીતાબેન અધીરાઈથી પૂછી બેઠા. ‘ઈલાજથી એમાં ચોક્કસ થોડો સુધારો થઈ શકે છે, પણ તમારે ખુબ જ ધીરજથી કામ લેવું પડશે.” ડૉક્ટરે કહ્યું. સુરેશભાઈ - નીતાબેનને ધ્રાસ્કો પડ્યો. નીતાબેન તો ત્યાંજ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. સુરેશભાઈ પોતે પણ અંદરથી હચમચી ઊઠ્યા હતા, પણ તરત એ સ્વસ્થ થયા અને એમણે નીતાબેનને સાંત્વન આપ્યું,
સેકન્ડ ઓપીનીયન લેવા માટે તેઓ આનંદને શહેરના એક જાણીતા ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટને ત્યાં બતાવી આવ્યા. એમનો પણ મત તો એ જ હતો, તેઓ ભલે કહે, ‘મેન્ટલી ચેલેંજ્ડ ચાઈલ્ડ’, પણ ચોખ્ખા શબ્દોમા એનો અર્થ થાય, ‘મેન્ટલી રિટાર્ડેડ ચાઈલ્ડ.’ સુરેશભાઈ અને નીતાબેનના સુખી જીવન પર વીજળી પડી. અને એની થોડી ઘણી અસર રોમાના જીવન પર પણ થઈ. રોમાને પણ એટલું તો સમજાઈ ગયું કે- ‘પોતાનો ભાઈ આનંદ બીજા બધાં છોકરાઓ જેવો નોર્મલ ચાઈલ્ડ નથી.’ એણે તો આ સત્ય ખુબ જ સરળતાથી સ્વીકારી લીધું. અને એટલે જ એનું વર્તન આનંદ તરફ એ જ સ્વાભાવિકતા ભર્યું રહ્યું, કદાચ વધુ પ્રેમાળ રહ્યું.
બીજાં બે ડોક્ટરોને પણ મનની તસલ્લી ખાતર બતાવી જોયું. પણ બધાં જ ડોક્ટરો ના નિદાનનું એક જ સરવૈયું નીકળ્યું. ‘આનંદ સાથે સારું અને લાગણી સભર વર્તન એ જ એની સારવાર અને જીવનભર એનું જતન એ જ એનો ઉપચાર.” જે ઘરમાં મેન્ટલી રિટાર્ડેડ ચાઈલ્ડ હોય, એ મા-બાપની વ્યથા ની વાત અહીં પેપર પર શબ્દો દ્વારા ઉતારવી કે પૂરેપૂરી વર્ણવવી અશક્ય છે.એ જેણે અનુભવી હોય એ જ જાણી શકે. પૂરી જીંદગીની જવાબદારી અને પળેપળનું પારાવાર દુ:ખ. આવા સંતાનના મા-બાપ સુખેથી મરવાનું પણ વિચારી ના શકે. ‘અમારા મર્યા પછી આનું કોણ? કોણ એને સંભાળશે?’ એ વિચાર અહર્નિશ એમને સતાવે
રોમાના ઘરમાં પણ થોડો સમય શોક અને ગમગીની નું વાતાવરણ છવાયેલું રહ્યું. પણ પછી ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી ગઈ. ‘દુ:ખનું ઓસડ દહાડા’, મતલબ સમય જ બધા દુખોની દવા છે. ફરી બધા પોતપોતાના રાબેતા મુજબના કામમાં પરોવાઈ ગયાં. રોમા અને આનંદ મોટાં થતાં ગયાં. ઘરમાં સૌએ આનંદની આ સ્થિતિને સ્વીકારી લીધી. ‘જે સ્થિતિ બદલી શકાય તે બદલો, અને જે બદલી ન શકાય તે સ્વીકારો’ એમાં જ શાણપણ છે. મોટાંઓ કરતાં બાળકો આ વાત જલદી સમજી જાય છે, અને સ્વીકારે પણ છે. એટલે રોમા તો આનંદપૂર્વક ભાઈ આનંદ સાથે પળો વિતાવતી.નીતાબેને નો સમય આનંદની કાળજી કરવામાં જતો, એમણે મન સાથે સમાધાન કરી લીધું હતું, પણ સુરેશભાઇ?
સુરેશભાઈ ઉપર ઉપરથી સ્વાભાવિકતાનો, સાહજિકતાનો ડોળ કરતા, પણ આનંદની સ્થિતિએ એમના લાગણી તંત્રને હચમચાવી મૂક્યું હતું. જ્યારે જ્યારે તેઓ આનંદને જોતાં, ત્યારે ત્યારે એમને દિલમાં શારડી ફરતી હોય એવું લાગતું. એમનું દિલ સારા એવા પ્રમાણમાં જખમી થઈ ચૂક્યુ હતું. જીવનમાંથી અને બીઝનેસમાંથી એમનો રસ ઓછો થતો જતો હતો. બધું જ અહીં છોડીને ક્યાંક ચાલ્યા જવાની અદમ્ય ઈચ્છા એમને વારંવાર થતી હતી. પણ પત્ની અને બે બાળકોની જવાબદારીએ એમને રોકી રાખ્યા હતા. નીતાબેન એમની મનોસ્થિતિ સારી રીતે સમજતા હતાં. એટલે એમને પ્રેમપૂર્વક સમજાવતાં, ‘પરિસ્થિતિનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો, હિમ્મતથી મુકાબલો કરો અને ભગવાન પર શ્રધ્ધા રાખો.’
નીતાબેનની સમજાવટની અસર એમના પર કેટલી થતી એ તો એક સુરેશભાઈ જાણે અને બીજા રામ જાણે. પણ દિલ અને દિમાગની આવી કશ્મકશમાં એક દિવસ સુરેશભાઈને હળવો હાર્ટએટેક આવ્યો. એમને હોસ્પિટલના ICU માં દાખલ કરવા પડ્યા. ઘરનું વાતાવરણ ફરી એકવાર ડહોળાઈ ગયું. પાંચ દિવસ પછી સુરેશભાઈને ઘરે લાવ્યા, દવા-માવજત અને આરામ પછી ધીમે ધીમે તેઓ સ્વસ્થ થયાં. બીઝનેસમાં પાછા ધ્યાન દેતા થયા, પછી ઘરનું વાતાવરણ પાછું થાળે પડ્યું. જીંદગીની ઘટમાળ પાછી રાબેતા મુજબની ચાલવા લાગી.
રોમા હવે સ્કુલનો અભ્યાસ પૂરો કરીને કોલેજમાં આવી.સ્કુલમાં સારા માર્ક્સ આવ્યા હતા, એટલે સારી કોલેજમાં સરળતાથી એડમીશન મળી ગયું. એ ખુબ ખુશ હતી. કોલેજમાં પણ સારા માર્ક્સ લાવીને પછી ઉચ્ચ અભ્યાસ કરી, સારી કેરિયર બનાવવાની એની મહત્વકાંક્ષા હતી. મમ્મી - પપ્પાનો એ માટે એને પૂરેપૂરો સપોર્ટ હતો. કોલેજના પહેલા જ દિવસે નીતાબેને એક મા તરીકેની ફરજ રુપે રોમાને વહાલથી ગળે લગાવીને, પાસે બેસાડીને, હાથમાં એનો હાથ લઈને ગંભીર સ્વરે કહ્યું,
‘રોમા બેટા, તું અમને અત્યંત વહાલી છે. હવે તું કોલેજમાં આવી છે. ત્યાં તને ફ્રીડમ મળશે, અનેક પ્રકારના લોકો પણ મળશે. ત્યારે એક ખુબ જ મહત્વની વાત તને કહેવાની હું જરુરી સમજુ છું. બેટા, તું ખુબ સમજી વિચારીને સારા મિત્રો બનાવજે. સ્ત્રી અને પુરુષના સંબંધોમાં એક લક્ષ્મણરેખા હોય છે.તું કદી પણ એ રેખા ઓળંગીશ નહીં. કેમ કે એમ કરતાં પુરુષ તો મોટેભાગે જવાબદારીમાંથી છટકી જાય છે, અને સહન કરવાનું સ્ત્રીના ભાગે જ આવે છે. મારી બા એ પણ મને આ વાત આ રીતે સમજાવી હતી, ‘પુરુષ તો તાંબાનો લોટો ગણાય, ઘસ્યો એટલે પાછો ઉજળો. પણ સ્ત્રી એટલે કાચનું વાસણ, એકવાર તડ પડી એ પડી, સંધાય નહીં અને સંધાય તો પણ સૌને દેખાય.’ માટે બેટા રોમા, પહેલેથી જ ચેતીને ચાલજે, જેથી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે.’
રોમાએ મમ્મીની વાત બહુ ધ્યાનથી સાંભળી અને કહ્યું, ‘મમ્મી, હું મારી જાતની બરાબર કાળજી રાખીશ, તું જરાય ચિંતા કરતી નહીં. હું મારું પૂરું ધ્યાન ભણવામાં લગાડીશ.’ ‘હા બેટા, તું હોંશિયાર છે, તારા માટે અમને ગર્વ છે, તારે જેટલું ભણવું હોય એટલું ભણ, પછી તારા માટે સારો છોકરો શોધીને અમે તને પરણાવીશું.’ નીતાબેન બોલ્યા. ‘મમ્મી, ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ’, રોમાએ કહ્યું અને બન્ને હસી પડ્યાં.
મમ્મીની શીખામણ ધ્યાનમાં રાખીને રોમાએ કોલેજના અભ્યાસમાં મન પરોવ્યું. રોમા હસમુખી, મિલનસાર અને હોંશિયાર હતી. દેખાવડી પણ હતી, એટલે કોલેજમાં છોકરાઓના આકર્ષણનું કેંદ્ર બની હતી. પણ મમ્મીની વાત ખ્યાલમાં રાખીને રોમાએ ખુબ સમજી, વિચારીને ઓછા અને સારા દોસ્ત જ બનાવ્યા હતા. એને રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ હોવા છતાં, એ બધાથી અલિપ્ત રહીને એ કોલેજથી સીધી ઘરે જ આવતી. મમ્મીને કામમાં મદદ કરતી. આનંદને બગીચામાં લઈ જઈને ફૂલ છોડ બતાવતી, ગીતો સંભળાવતી.આનંદ તો રોજ મોટીબેનના આવવાની અધીરાઈથી પ્રતિક્ષા કરતો.
કોલેજના ફર્સ્ટ ઇયરમાં રોમા ફર્સ્ટ ક્લાસમાં પાસ થઇ અને ઘરમાં ખુશીની લહેર ફરી વળી. બીજા વર્ષમાં રોમાને ભણવામાં એક સબ્જેક્ટમાં થોડી ડીફીકલ્ટી આવી રહી હતી. એણે એના ફ્રેંડ સર્કલમાં પૂછ્યું, તો એક ફ્રેંડે પ્રોફેસર સંદિપનું નામ સજેસ્ટ કર્યું. પ્રોફેસરે રોમાની ડીફીકલ્ટી સોલ્વ કરી આપી. પછી ક્યારેક ક્યારેક ન સમજાય તે ચેપ્ટર સમજવા રોમા, સંદિપની મદદ લેવા લાગી. સંદિપ પણ યુવાન હતો, અપરિણીત હતો. એને આ તેજસ્વી, યુવાન અને દેખાવડી યુવતિ રોમાનો સાથ ગમવા માંડ્યો. રોમાને પણ સંદિપનો સહચાર ગમવા માંડ્યો. પછી તો બન્નેની મુલાકાતો વધતી ગઈ.
કેન્ટિનમાં, રેસ્ટોરન્ટમાં, થીયેટરોમાં, બગીચામાં આ મુલાકાતો થવા લાગી. ક્યારેક રોમા સંદિપની રૂમ પર પણ મળવા જવા માંડી. રોમા સંદિપને મળવા રૂમ પર જાય ત્યારે, સંદિપનો રૂમ પાર્ટનર વિશાલ કામને બહાને બહાર જતો રહે, અને બન્ને યુવાન હૈયાને મનગમતું એકાંત મળી રહેતું. સંદિપ આવા વખતે હળવી છુટછાટ લેતો. રોમાને ચુંબન અને ગાઢ આલિંગન આપતો. રોમા ક્યારેક આનાકાની કરે તો સંદિપ એને લગ્ન કરવાનું વચન આપીને મનાવી લેતો.રોમા પણ આખરે તો એક સ્ત્રી જ હતી ને, એને આ વિજાતીય આકર્ષણ ગમવા લાગ્યું હતું.
એક્વાર રોમા સંદિપની રૂમ પર ગઈ ત્યારે વિશાલ બહારગામ ગયો હોવાથી બન્નેને સારું એકાંત મળ્યું. સંદિપે આ તકનો લાભ લઈ રોમા પાસે ‘શારિરીક ઐક્ય’ ની માગણી મૂકી. રોમા આ સાંભળીને ભડકી ઊઠી. એને એની મમ્મીની ચેતવણી યાદ આવી અને એણે સાફ ઈન્કાર કર્યો. સંદિપ એનાથી રીસાઈ ગયો, અને રોમાને ત્યાંથી ચાલી જવાનું અને ફરી ક્યારેય પાછા ન મળવાનું કહ્યું. રોમા મૂંઝાઈ, છેવટે પ્રેમીની જીદ આગળ હારી ગઈ. એ દિવસે રોમા સ્ત્રી અને પુરુષ વચ્ચેની ‘લક્ષ્મણરેખા’ ઓળંગી ગઈ. જો કે પાછળથી એને ખુબ પસ્તાવો થયો, પણ સંદિપે ‘લગ્ન તો કરવાના જ છે ને, પછી આવી મર્યાદા શા માટે?‘ કહીને એને પ્રેમથી મનાવી લીધી. અને બન્નેનું મિલન ચાલુ રહ્યું.
પરંતુ બીજા જ મહિને રોમાને નિયત તારીખ વીતીને થોડા દિવસો થઈ ગયા, છતાં પીરીયડમાં ન આવતાં ધ્રાસ્કો પડ્યો. એણે સંદિપને વાત કરી. સંદિપે એને પ્રેગનન્સી ટેસ્ટની કીટ લાવી આપી. આ ટેસ્ટ પોઝીટીવ આવ્યો. ધરતીકંપ થાય અને ધરતી ધ્રૂજી ઊઠે એમ રોમા આ રીઝલ્ટથી ધ્રૂજી ઊઠી. પોતે કેવી ભયંકર ભુલ કરી બેઠી છે, તેનો એને હવે ખ્યાલ આવ્યો. એણે સંદિપને કહ્યું, ‘સંદિપ હું તારા બાળકની મા બનવાની છું, આપણે વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ.’
આ સાંભળતાં જ સંદિપ ભડકી ઊઠ્યો. ‘ડોન્ટ બી સીલી, રોમા, તારો અભ્યાસ હજી બાકી છે અને મારે આ પ્રોફેશનમાં કેરિયર બનાવવાની છે. સો જસ્ટ નાઉ, મેરેજ ઇસ નોટ પોસીબલ.’ ‘પણ એ વગર બીજો ઉપાય પણ શું છે?’ રોમા રડતાં રડતાં બોલી. ‘એબોર્શન,’ ખુબ જ સ્વાભાવિકતાથી સંદિપ બોલ્યો. ‘વ્હોટ? એબોર્શન? આ તુ શું કહે છે, સંદિપ. આપણા પ્રેમની નિશાની રૂપ બાળકની તું હત્યા કરવાનું કહે છે?’ રોમા ચિત્કારી ઊઠી.‘ રોમા પ્લીઝ,નો ઈમોશનલ બ્લેક મેઈલીંગ. આ જ એક પ્રેક્ટીકલ રસ્તો છે, ટ્રાય ટુ અંડરસ્ટેંડ પ્લીઝ.’ રોમા લાચારીથી સંદિપની વાત સાંભળી રહી, અને સંદિપ એને એકલી મૂકીને ચાલી ગયો.
રોમા હતાશ પગલે ઘરે આવી. એના મનમાં વિચારોનું તુમુલ યુધ્ધ જામ્યું હતું. સંદિપના આવા બેપરવાહ વલણથી રોમાને એના તરફ ભયંકર ક્રોધ જન્મ્યો હતો. અને પોતાની ભુલ પ્રત્યે એને પારાવાર પશ્ચાતાપ થતો હતો. ખાસ કરીને મમ્મીની આટલી સ્પષ્ટ ચેતવણી છતાં પોતે ભુલ કરી બેઠી હતી અને એ ભુલની સજા હવે એક નિર્દોષ જીવને થવાની હતી. ’એબોર્શન’ નો સીધો મતલબ થતો હતો, ‘જીવહત્યા’, અને તે પણ કેવી ક્રૂર રીતે. રોમાએ થોડા સમય પહેલા જ ‘એબોર્શન’ ને લગતો એક વીડીયો જોયો હતો. એમાં જીવતા ગર્ભસ્થ શિશુના અંગ ઉપાંગોને તોડીને જે રીતે બહાર લાવી ગર્ભપાત કરવામાં આવે છે, તે જોયા પછી એનાથી સાંજનું ખાણું નહોતું ખાઈ શકાયું. એણે આવું કરતી વ્યક્તિઓ અને ડૉક્ટરના ઉપર મનોમન ફિટકાર વરસાવ્યો હતો. અને આજે હવે પોતે જ આવું કરવા જઈ રહી હતી?
‘નહીં, પોતે કોઈ સંજોગોમાં એબોર્શન નહીં જ કરાવે,’ પોતે આ બાળકને જન્મ આપશે અને ઉછેરશે’ એવો મક્કમ નિર્ધાર રોમાએ કર્યો. એણે સંદિપને મળવાનું બંધ કરી દીધું. આ બનાવ પછી સંદિપને પણ હવે રોમામાંથી રસ ઓછો થઈ ગયો હતો. રોમાને ક્યારેક આત્મહત્યાના વિચારો આવી જતા,પણ એટલી હિંમત એનામાં નહોતી. ‘ન જીના રાસ આયા, ન મરના મન ભાયા, જાઉં કહાં મૈ જાઉં કહાં?’ લગભગ એવી સ્થિતિ રોમાની થઈ ગઈ હતી.
રોમા સાવ સુનમુન થઈ ગઈ હતી, અભ્યાસમાંથી એનો રસ ઊડી ગયો હતો. જમવામાંથી રુચી જતી રહી હતી. ભાઈ આનંદની સાથે પણ યંત્રવત વર્તતી હતી.એને આવી ખોવાયેલી ખોવાયેલી રહેતી જોઈને નીતાબેનથી ન રહેવાયું. એક દિવસ એકાંતમાં રોમાને પાસે બેસાડીને નીતાબેને પૂછ્યું, ‘બેટા, સાચું કહેજે,તને શું થયું છે? કેમ આમ સુનમુન રહે છે?’ પહેલા તો રોમા વાત કહેતા ખંચકાઈ. નીતાબેને એને માથે પ્રેમથી હાથ પસવારતા કહ્યું, ‘બેટા, હું તારી મા છું, જે કંઈ હોય તે ખુલ્લા દિલે કહે,’ અને રોમા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. એણે નીતાબેનને બધી વાત કહી. નીતાબેન તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં, જાણે એમના માથે તો આભ તૂટી પડ્યું.
પણ પછી સ્વસ્થ થઈને પરિસ્થિતિ સંભાળી લેતાં એમણે કહ્યું, ‘રોમા,ચાલ. મને તારા એ સંદિપ પાસે લઈ જા. જરૂર પડશે તો હું ખોળો પાથરીને સંદિપને લગ્ન માટે સમજાવીશ’ રોમાએ પહેલા તો ના જ પાડી, પણ પછી નીતાબેનની જીદ આગળ હારીને એ મમ્મીને સંદિપની રૂમ પર લઈ ગઈ. સંદિપ તો રૂમ પર નહોતો પણ એના રૂમ પાર્ટનર વિશાલે સમાચાર આપ્યા કે, ‘સંદિપ અહીંની નોકરી છોડીને મુંબઈ ચાલી ગયો છે. એણે ત્યાં એના પપ્પાના એક ધનવાન મિત્રની દિકરી સાથે લગ્ન કરી લીધાં છે.’ પોતાની ભુલ બદલ રોમા ઘરે આવીને ખુબ રડી, એણે નીતાબેનની વારંવાર માફી માંગી. નીતાબેને કહ્યું, ‘કેટલીક ભુલ ભુલી જવામાં જ સાર છે,બેટા. હવે નાલેશીમાંથી બચવાનો એક જ રસ્તો છે: એબોર્શન’ રોમા કંઈ ન બોલી.
જ્યારે સુરેશભાઈએ આ વાત જાણી ત્યારે એમને ખુબ જ આઘાત લાગ્યો. એ રાત્રે એમને હાર્ટએટેકનો બીજો હુમલો આવ્યો. એમને ફરીથી હોસ્પિટલના ICU માં દાખલ કરવા પડ્યા. સુરેશભાઈ હોસ્પિટલમાં હતાં ત્યારે રોમાના દિમાગમાં વિચારોનું તુમુલ યુધ્ધ જામ્યું હતું. એક તરફ એ એબોર્શન કરાવી જીવહત્યા નહોતી કરવા માંગતી, તો બીજી તરફ એ લાચાર મા-બાપને નાલેશી ભરી જીંદગીથી બચાવવા પણ માંગતી હતી. ‘ઉલઝન સુલઝે ના, રસ્તા સૂઝે ના, જાઉં કહાં મૈં જાઉં કહાં?’ આખી રાતની કશ્મકશ પછી એણે નક્કી કરી લીધું, ‘હવે મમ્મી-પપ્પાને વધુ દુખ નથી પહોંચાડવું.’ અને સુરેશભાઈ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી એક દિવસ રોમાએ નીતાબેન સાથે જઈને ચુપચાપ એબોર્શન કરાવી લીધું.
એ દિવસે રોમાએ નકોરડો ઉપવાસ કર્યો અને અઠવાડિયા સુધી એ ઘરની બહાર ન નીકળી. એણે કોલેજનો અભ્યાસ અધૂરો મૂકી દીધો. ઘરમાં પણ જે કંઈ કામ કરતી તે યંત્રવત કરતી. નીતાબેન અને સુરેશભાઈ એની દશા જોઈને ખુબ દુખી હતા, પણ તેઓ જાણતા હતા કે ‘દુખનું ઓસડ દહાડા’ એમણે રોમાને સ્વસ્થ થવાનો સમય આપ્યો, જેથી એને લાગેલા ઘા રૂઝાય. લગભગ છ મહિના પછી નીતાબેને એને લગ્ન કરી લેવા સમજાવી.પણ રોમાને તો પુરુષ જાતમાંથી જ વિશ્વાસ ઊઠી ગયો હતો, એણે લગ્નની ના પાડી. એક વર્ષ પછી નીતાબેને રોમાને સમજાવ્યું કે, ‘લગ્ન વગર એકલી સ્ત્રી એ સમાજમાં રહેવું બહુ અઘરું છે.’ રોમામાં હવે વધુ દલીલો કરવાની શક્તિ, ખરેખર તો ઈચ્છા જ નહોતી રહી.
એ મમ્મી-પપ્પાને વધુ દુ:ખી કરવા નહોતી માંગતી. એટલે એણે ચાવી દીધેલા રમકડાંની જેમ મમ્મીને લગ્ન માટે હા પાડી. જ્ઞાતિમાં અને શહેરમાં તો એ સંદિપ સાથેના અફેરના કારણે વગોવાઈ ગઈ હતી, એટલે કોઈ મૂરતિયો મળે એમ નહોતું. એટલે વતન જઈને સુરેશભાઈના એક મિત્રના દૂરના સગાનો પુત્ર હર્ષદ કે જેને રોમા પસંદ આવી હતી,એની સાથે સાદાઈથી લગ્ન પતાવી દીધા. રોમાના પક્ષે તો પસંદ ના પસંદનો સવાલ જ નહોતો, એ ચુપચાપ પરણી ગઈ.
હર્ષદ ઓછું ભણેલો અને તુંડ મિજાજી હતો. વાતવાતમાં રોમા પર ગુસ્સે થઈ જતો. રોમા શાંત રહેતી, પણ એના મનમાં અજાણ્યો ડર હમેશા રહ્યા કરતો, ‘જે દિવસે હર્ષદને પોતાના અને સંદિપના કિસ્સાની જાણ થશે, તે દિવસે પોતાનું શું થશે?’ એ સતત માનસિક તણાવમાં રહેતી. હર્ષદને બધી રીતે અનુકૂળ થઈને જીવવાનો પ્રયત્ન કરતી. કાશ! પોતે મમ્મીની વાત માની હોત અને સંબંધમાં લક્ષ્મણરેખા ન ઓળંગી હોત તો આજે એ કારકિર્દીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોત! રોમા આવા વિચારોમાં ડૂબેલી હતી ત્યાંજ ડોરબેલ વાગી, એણે દરવાજો ખોલ્યો, સામે જ હર્ષદ ઊભો હતો.
-કેમ આજે વહેલા ઘરે આવી ગયા? તબિયત તો ઠીક ---- રોમા વાક્ય પૂરું કરે તે પહેલાં તો એના ગાલ પર સ—ટા—ક . કરતો એક જોરદાર તમાચો પડ્યો.
-નીચ, કુલટા, મોજમજા યાર સાથે કરી અને લગ્ન મારી સાથે? મને ફસાવ્યો?’ હર્ષદનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો
-મને માફ કરો, એ મારી ભુલ હતી. હું ભુતકાળ ભુલી ચુકી છું,તમે પણ ભુલી જાઓ, પ્લીઝ.’ રોમા હર્ષદનો પગ પકડીને કરગરી રહી.
-એ ન બને, તું અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા.પગ છોડાવીને હર્ષદે એને ધક્કો મારતા કહ્યું.
- અત્યારે હવે હું ક્યાં જાઉં? રોમા ચોધાર આંસુએ રડી પડી.
-તારા યારના ઘરે જા અથવા જહન્નમમાં જા, પણ અહીંથી ટળ.
હર્ષદે રોમાને વાળ પકડીને ઘરની બહાર કાઢી મૂકી.ગામના નાકે સુધી જઈ રોમા ઘડીક થોભી. પિયર પાછા જઈ પોતાના દુ:ખી મા-બાપને એ વધારે દુ:ખી નહોતી કરવા માંગતી. ભૂતકાળમાં ‘લક્ષ્મણરેખા’ ઓળંગવાની ભુલ કરી બેઠેલી રોમા આજે ‘જીવનરેખા’ ઓળંગવાની બીજી ભુલ કરવા નદીની દિશામાં ચાલી નીકળી. એ વખતે એના મનમાં આ જ શબ્દો ગૂંજતા હતાં, ‘લક્ષ્મણરેખા ઓળંગશે તે મરશે.’
Name: Pallavi Jeetendra Mistry
Email: hasyapallav@hotmail.com