નામ : જેરામ પટેલ વ્યવસાય : આર્ટીસ્ટ ૮૫ વર્ષની ઉમર અને લગભગ જિંદગીભરની મહેનત અને કળા સાધનાને અંતે બનાવેલા કુલ ૨૫૦ જેટલા આર્ટવર્ક જેમાં ઓઈલ પેઇન્ટીગ , સ્કલ્પચર અને ડ્રોઇન્ગ્સ સામેલ છે જેને દિલ્હીની કિરણ નાદર મ્યુજીયમ ઓફ આર્ટે રૂપિયા ૬ કરોડમાં ખરીદી લીધા . પહેલી નજરે આ સમાચાર વાંચનારને મિશ્ર લાગણી થઇ શકે , પહેલા તો ૬ કરોડની રકમ જ અધધધ લાગી શકે તો તેની સાથે સાથે એ પણ વિચાર આવે કે ચિત્રો કે પુતળાઓ માટે કેમ આટલી મોટી રકમ ? એવું તો શું મુલ્યવાન હશે આમાં ? પણ આમાં કળા અને રોકાણ બંનેનો સુભગ સમન્વય છે . જો કે આર્ટક્રિટીક્સના મતે જેરામ પટેલના અણમોલ ખજાનાનું મુલ્ય તો ૬ કરોડથી પણ ક્યાય વધુ એટલે કે અંદાજે ૨૫ કરોડથી વધુ જેવું છે ..
ગુજરાતી પેઈન્ટરો અને કલાકારોની દ્રષ્ટિ એ કદાચ આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલમાંની એક છે . જો કે ભારતના અનેક ચિત્રકારોના કેન્વાસો આવી જ રીતે ઉંચી કીમતે વેચતા રહ્યા છે . ડીસેમ્બર ૨૦૧૩માં પ્રખ્યાત નીલામીગૃહ ક્રિસ્ટીએ ભારતમાં પ્રથમ વાર યોજેલા એક ઓક્શનમાં મૂળ ભારતીય અને ૨૦૦૧માં સ્વર્ગસ્થ થયેલા ચિત્રકાર વાસુદેવ શાંતુ ગાયતોંડેનું એક પેઇન્ટીગ અંદાજે ૨૩ કરોડ રૂપિયાની અધધધ કહી શકાય એવી કિંમતે વેચાયેલું જે અત્યાર સુધીનો ભારતીય વિક્રમ છે . નીલામીઘરના કહેવા મુજબ ખરીદનારનું નામ ગુપ્ત રખાયું છે પણ એટલું જાણવા મળેલું કે આ જંગી રકમ આપનાર એક અમેરિકન હતો અને આ ચિત્ર એણે પોતાના અંગત કલેક્શન માટે ખરીદેલું . અહી કળાના સંદર્ભે વેચાયા કરતા ખરીદાયા શબ્દ વધુ યોગ્ય અને યથાર્થ છે
એક સમયે ઠીક છે ચિત્રો દોરે છે કે ચીતકડા કાઢે છે જેવા સમયમાંથી પસાર થયેલા ભારતીય ચિત્રકારોની કળાને છેલ્લા થોડા વર્ષોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે સારો અને આર્થિક પ્રતિભાવો મળવા લાગ્યા છે . અસલમાં કોઈ પેઇન્ટીગને જોવું અને એના વિષે વિચારવું કે ચિત્રકાર શું કહેવા માંગે છે , કે ચિત્રની થીમ , કલર્સ કે બ્રશીસના લસરકાની કમાલને સમજવું બધા માટે આસાન નથી હોતું અને જો સમજી શકો તો એ ચિત્રકારે જે વિચારથી બનાવેલું હોય છે એની એટલી નજીક પણ નથી હોતું છતાં પણ આર્ટવર્કને જાણવું , નીરખવું અને એના વિષે સમજ પેદા કરવી એ એટલીસ્ટ ભારતીય મ્યુજીય્મોમાં પ્રદર્શિત થતી કૃતિઓની મુલાકાતે આવતા કલારસિકો માટે થોડું મુશ્કેલ કામ છે એમ તો કહી શકાય . દરેક આર્ટવર્કને સમજવું અઘરું હોય છે , હા જો ઓળખી શકાય તો ફક્ત કલર , રેખાઓ , થીમ કે દેખાવ પરથી એ શક્ય છે . એમ કહી શકાય કે પેઇન્ટીગની બે જ કેટેગરી આવે : ૧ : જોતા વેત જ આંખને ગમી જાય પછી જરૂરી નહિ કે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ થઇ શકે છે કે નહિ . અને ૨ . જેને જોતા વેત જ દર્શક એના રંગથી લઈને કલાકારે કઈ વાતને આમાં રજુ કરી છે એનો અભ્યાસ કરવા મજબુર બની જાય . સરવાળે કોઈ પણ આર્ટ પ્રદર્શનીમાં આવતા દર્શકો આ બે જ પ્રકાર માં આવે છે .
અધધધ કીમતે વેચતા કે ખરીદાતા ચિત્રોના સમાચારો વાંચીને સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે આટલી કીમત આપવા પાછળનું કારણ શું અને આપ્યા પછી પણ શું ? અસલમાં આવી ઉંચી કિમતો આપીને ચિત્રો ખરીદનારા મોટાભાગના આર્ટ ડીલરો અથવા તો આર્ટ કલેક્ટરો હોય છે કારણ કે આ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ - રોકાણ જ છે . યસ .... આર્ટમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ આપણે ત્યાં આજકાલ વધતો જાય છે . બાકી હજુ આપણે એટલા કલાપ્રેમી તો નથી જ થયા કે ઘરમાં વેચાતું લઈને કોઈ ઓરીઝ્નલ સરસ પેઇન્ટીગ લગાવીએ છતાં પણ છેલ્લા થોડા સમયથી આવી માનસિકતામાં સુધારો થઇ રહ્યો છે બાકી તો મોટાભાગે પેઇન્ટીગ ઓફિસોની દીવાલોની શાન જ બનતા રહ્યા છે . પણ જેરામ પટેલ કે વાસુદેવ જેવા બનાવો પછી એમ કહી શકાય કે ભારતીય કલાકારોને એની કલાનું મુલ્ય અને મહત્વ ધીરે ધીરે પણ ચોક્કસપણે મળતું થયું છે .
પેઇન્ટીગની વાત આવે અને હુસેન યાદ ન આવે એવું ના બને . હુસેને ઉભા કરેલા વિવાદો અને એના પોતાના વિચિત્ર વર્તનને બાજુ એ રાખીને વાત કરીએ તો ભારતીય કલાકારોમાં ચિત્રોની મો - માંગી કિમતો મેળવવાનો આ દોર ની શરૂઆતનો આછો - પાતળો જશ આ વિવાદિત કલાકારને જાય છે . હુસેનની સાથે સાથે મંજીત બાવા , ભૂપેન ખખ્ખર , તૈયબ મેહતા , એસ.એચ.રઝા , સોઉઝા વગેરે જેવા કલાકારોના વર્ક ઉંચી કીમતે વેચતા અને ખરીદાતા રહ્યા છે . પણ આવા જુજ કિસ્સાઓને બાદ કરતા ભારતીય ચિત્રકારોની ઈંટરનેશનલ લેવલે નોંધ લેવાવાની હજુ કદાચ જોઈએ એવી શરૂઆત થઇ હોય એવું લાગતું નથી . અંજલિ ઈલા મેનોન કે હુસેન કે તૈયબ મેહતા જેવા અપવાદોને બાદ કરતા હજુ પણ અનેક નવા અને ખુબ જ પ્રતિભાશાળી કલાકરો એમની કલાની યોગ્ય કદર થાય એની રાહ જોતા પોતાની કળા સાધના કરી રહ્યા છે .
અને આ યોગ્ય કદર નથી થઇ રહી એનું કારણ છે આપણે ત્યાં આર્ટ ઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ વિદેશો જેટલો પ્રચલિત નથી . હજુ ભારતમાં આર્ટ મ્યુઝીયમો કે આર્ટ કલેક્ટરોની સંખ્યા જુજ છે . જેરામ પટેલની કૃતિઓની જેણે ડીલ કરી એ કિરણ નાદાર મ્યુઝીયમ ઓફ આર્ટ એ ૨૦૧૦માં શરુ થયેલું ભારતનું પ્રથમ પ્રાઈવેટ આર્ટ મ્યુઝીયમ છે . કિરણ નાદાર પોતે અગ્રગણ્ય આર્ટ કલેકટર છે જેમણે પોતાના પર્સનલ કલેક્શનને પબ્લિકના લાભાર્થે મ્યુઝીયમ સ્વરૂપે શરુ કર્યું છે . કિરણ નાદાર એ આપણી પ્રખ્યાત આઈ.ટી. કમ્પની એચસીએલ ના વડા શિવ નાદારના પત્ની છે અને ભારતમાં આર્ટને પ્રોત્સાહન આપવામાં કાર્યરત છે .
ઈન્ટરનેટ પર તમને અનેક એવી સાઈટો મળી જશે જે આર્ટની લે-વેચ કરતી હોય છે . ચિત્રકલા કે પછી શિલ્પકલા એ ભારતમાં અતિ પ્રાચીન સમયથી ચાલતી આવેલી છે . અનેક કલાકારો રાષ્ટ્રીય સ્તરે નામના પણ મેળવી ચુક્યા છે . પણ એમની કલાની સાચી કદર થઇ શકે એવો માહોલ દેશમાં અત્યાર સુધી તો નહોતો જોવા મળ્યો પણ છેલ્લા કેટલાક વર્ષોથી થોડા ઘણા અંશે પરીશ્થીતી સુધરતી દેખાય છે અને એનો મોટા ભાગનો શ્રેય કિરણ નાદાર જેવા આર્ટ મ્યુઝીયમો કે પછી થોડા ઘણા પ્રાયવેટ આર્ટ કેલેકટર્સને ફાળે જાય છે . પહેલા કરતા ભારતમાં વધુ આર્ટ પ્રદર્શનીઓ અને આર્ટફેર કે કળાની ખરીદ વેચાણ કરતી નીલામીઓની સંખ્યાની સાથે સાથે પ્રાયવેટ સ્ક્રીનીંગ અને પ્રાયવેટ એક્ઝીબીશનની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતો રહ્યો છે જે સરવાળે દેશના ઉગતા કે સ્થાપિત કલાકારોને એમની કળાની કદર કરવાનું માધ્યમ પૂરું પાડે છે અને જેને પરિણામે તૈયબ મહેતાનું સોલો કેનવાસ સેલ્બી જેવા આંતરરાષ્ટ્રીય ઓક્શન હાઉસમાં રૂપિયા ૯ કરોડ જેવી ઉંચી કીમતે વેચાતું થયું છે .
મોટાભાગના સ્થાપિત અને શ્રેષ્ઠ ચિત્રકારોના વર્ક ધનપતિઓ પોતાના પ્રાઈવેટ કલેક્શન માટે ખરીદતા હોય છે . આર્ટ મ્યુઝીયમો કે ડીલરોને બાદ કરતા આવા આર્ટ કલેક્ટરો પણ સારી અને સાચી કલાની કદર કરવામાં મોખરે છે . રીચ અને ફેમસ લોકો આર્ટને પણ લકઝરીયસ કાર કે બંગલાની જેમ જ પોતાના પર્સનલ કલેક્શનમાં સ્થાન આપે છે . મોટાભાગે વનપીસ જ હોય એવા આર્ટવર્કની ખરીદી કરી પોતાના પર્સનલ કલેક્શનમાં આવા ચિત્રોને સ્થાન આપે છે . રિલાયન્સના મુકેશ અંબાની આમાં મોખરે છે . એમના કલકેશનમાં અલભ્ય અને કીમતી કહી શકાય એવા ચિત્રોનો ખજાનો છે . આ જ રીતે અબજોપતિ લક્ષ્મી મિત્તલની પત્ની ઉષા મિત્તલ , અનીલ અંબાણીની પત્ની ટીના અંબાણી , સીએટ ટાયરના વડા હર્ષ ગોએન્કા અને ગોદરેજ ગ્રુપના પરમેશ્વર ગોદરેજ પણ દેશના ટોચના આર્ટ કલેકટર ગણાય છે કે જેમના પોતાના પર્સનલ કલેક્શનમાં હુસેન , અંજલિ ઈલા મેનન , મનુ પારેખ વગેરે જેવા ખ્યાતનામ કલાકારો ના બેનમુન ચિત્રો સંઘરાયેલા પડ્યા છે .
આવા જુજ પ્રાઈવેટ કદરદાનોને બાદ કરતા ભારતમાં કિરણ નાદાર જેવી અનેક આર્ટ ગેલેરીઓ પણ કલાકારોની કદર થઇ શકે એવા પ્રયત્નો કરી રહી છે અને દિવસે દિવસે એની સંખ્યા વધતી પણ જાય છે . મુખ્યત્વે ગેલેરી પ્રદર્શનના માધ્યમથી ઇન્વેસ્ટરો કે કળા રસિકોને ચિત્રો ની ખરીદી માટે પ્રોત્સાહિત કરતા હોય છે . પણ હજુ ભારતમાં કળામાં પણ રોકાણ થઇ શકે એવી સમજ વિદેશોની સરખામણી એ ઓછી જોવા મળે છે .અને એનું કારણ છે કે મુખ્યત્વે આર્ટ એ કોઈ સોનું , ચાંદી કે જમીન - મકાન જેવી કોમોડીટી નથી એવી સમજ હજુ સુધી ઘર કરી ગયેલી છે અને ભારતીય વ્યાપારિક માનસિકતાને જોતા એ મહદઅંશે સાચી પણ છે . આર્ટમાં રોકાણ એ ચોક્કસપણે સોના ચાંદી કે જમીન મકાન જેટલું સરળ કે સલામત રોકાણ નથી બની શક્યું એ હકીકત છે . ગેલેરીઓમાં કે વેચાણોમાં અનેક ઉત્કૃષ્ટ કલાકૃતિઓ હજુ પણ પાણીના ભાવે વેચાય જ છે અને એનું મુખ્ય કારણ હજુ આર્ટને ભારતમાં એક રોકાણના સારા વિકલ્પ તરીકે નથી જોવાતો . પણ જેરામ પટેલ જેવા અમુક ચોક્કસ સમયાંતરે બનતા બનાવોથી ભારતીય આર્ટમાર્કેટને વિશ્વાસ છે કે દસેક વર્ષમાં પરીશ્થીતી ચોક્કસપણે સુધરશે અને ભારતમાં પણ વિદેશોની માફક કળા પ્રત્યે અને કળામાં રોકાણ પ્રત્યે ની માનસિકતામાં બદલાવ આવશે .
મોટાભાગના ડીલરો કે આર્ટ એડવાઈઝરો હમેશા ખરીદનાર ને એક વાત ચોક્કસપણે કહેતા હોય છે કે વળતરની દ્રષ્ટિ રાખીને નહિ પણ તમને ગમવાની દ્રષ્ટીએ જ હમેશા ચિત્રોની ખરીદી કરવી જોઈએ . બીજું કે આર્ટવર્કને સાચવવા મુશ્કેલ અને ખર્ચાળ વસ્તુ છે . નિષ્ણાતોના મતે જો કોઈ આર્ટવર્કને તમે રોકાણની દ્રષ્ટીએ ખરીદેલું હોય તો અંદાજે પાંચેક વર્ષ સુધી એને તમારી પાસે સુરક્ષિત રાખવું જરૂરી છે એ પછી જો એનું યોગ્ય માધ્યમ દ્વારા વેચાણ કરવામાં આવે તો ૨૦ થી ૨૦૦ % જેવા ઊંચા કે સારા વળતરની શક્યતા વધુ રહે છે પણ આ પાંચેક વર્ષો સુધી એને જૈસે થે સ્થિતિમાં સાચવવું ખર્ચાળ અને મુશ્કેલ કામ છે જે દરેક આમ આદમી માટે શક્ય નથી . આને હિસાબે આપણે ત્યાં આર્ટ ગેલેરીઝ અને પ્રાઇવેટ કલેક્ટરો કે ડીલરો સિવાય સામાન્ય લોકોનો આર્ટમાં ઇન્વેસ્ટ કરવાનો અભિગમ ઓછો જોવા મળે છે . કોઈ એક્જીબીશનમાંથી ખરીદીને ઘરની દીવાલ પર ટાંગવાનું કે પછી એને સંઘરીને પછીથી એના વેચાણનો કન્સેપ્ટ આમ આદમી સુધી હજુ પહોચ્યો નથી . ઉદ્યોગગૃહો અને જુજ શોખીનો પર અત્યારે તો કલાકારોની કળાનો વિકાસ અને વ્યાપાર થઇ રહ્યો છે . જો કે આર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા થોડી બાબતો ધ્યાન રાખવી જરૂરી છે જેમકે આર્ટ વિષે સમજ કેળવવી પડે , તેના માધ્યમ , કેનવાસ અને વસ્તુઓની ક્વોલીટીની સાથે સાથે કલાકારનું અગાઉનું કામ અને એની લોકપ્રિયતા વિષે પણ માહિતી હોવી જોઈએ . બીજું કે કોઈ પણ આર્ટની કીમત બાબત ક્યારેય એકમતતા બની શકે નહિ અને સૌથી અગત્યનું કે સંઘરેલું આર્ટવર્ક તમે ધારો ત્યારે અને ધારો એ કીમતે તાત્કાલિક જ વેચાય જાય એવું મોટાભાગે શક્ય નથી .
૨૦૦૦ - ૨૦૦૭નો સાત વર્ષનો ગાળો ભારતીય આર્ટવર્ક માટે બહુ સારો સમય હતો . ચિત્રોને આર્ટવર્ક ઘણી ઉંચી કીમતે વેચાતા થયેલા . આ સમયગાળામાં મોટાભાગના આર્ટ કલેક્ટરોના સંગ્રહમાંથી કલાકૃતિઓ ઊંચા દામે ઓફિસો અને ઘરોમાં પહોચતી થઇ જેને લીધે આ કલેક્ટરોએ ગેલેરીઓ શરુ કરી પણ ૨૦૦૯ પછીથી ઘર આંગણે ફરીથી આર્ટ ક્ષેત્રે નબળો સમય શરુ થયો છે . ઇન્વેસ્ટરો અને કલેક્ટરો પણ સુસ્ત અને સાવચેતીથી રોકાણ કરતા થયા છે એનું કારણ કદાચ વળતરનું ઘટેલું પ્રમાણ કે પછી અનેક કલાકરોથી ઉભરાતી આર્ટ ઇન્ડસ્ટ્રીમાં વેચાણની મનફાવે તે રીતો હોય શકે . ઘણા વર્કસ ઉત્તમ કોટીના હોવા છતાં ક્યાં તો વેચાયા વગર પડ્યા રહ્યા કે પછી મામુલી કીમતે વેચાયા પણ અમુક અમુક સમયે થતી આવી આર્ટડીલને હિસાબે હજુ પણ ઇન્વેસ્ટરો કે ખરીદનારાઓનો ઝોક આર્ટવર્ક તરફ જળવાયેલો રહ્યો છે . ઇન્ડિયા આર્ટફેર જેવા મેળાવડાઓના પ્રતાપે વિશ્વમાં ભારતીય ચિત્રકારો પ્રત્યે રસ જાગ્યો છે . વિશ્વની બીજી સૌથી મોટી આર્ટ માર્કેટ ગણાતા ચીને પણ ભારતીય આર્ટ કલાકારોમાં પોતાનો રસ દાખવ્યો છે . આપણે ઇચ્છીએ કે ભારતીય આર્ટવર્ડમાં જેરામ પટેલ કે તૈયબ મેહતા જેવા બનાવો વારંવાર બને અને દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા ભારતમાં બહુ ઝડપથી અને વિસ્તારથી આર્ટમાં રોકાણનું માર્કેટ અને માનસિકતા ખુલે જેથી ભારતની કળા વારસા ને સાચવતા અને આગળ વધારતા અનેક નામી - અનામી કલાકારોની કળાની યોગ્ય કદર થાય .
‘ જો હું મારી વાત ને શબ્દો માં રજુ કરી શકતો હોત તો , ચિત્ર શા માટે બનાવત ??? ‘ - એડવર્ડ હોપર