Ek Chukai Gayeli Zindagi Dilip Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Chukai Gayeli Zindagi

એક ચુકાઈ ગયેલી જીંદગી

“દિલ” પ્રજાપતિ દિલીપ


prajapatidilip90@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

એક ચુકાઈ ગયેલી જીંદગી

રસ્તામા એક મિત્ર સાથે મુલાકાત થઈ, નામ એનું રાહુલ. કોલેજમાં સાથે ભણતાં ત્યાર બાદ હવે મળવાનું થયું. સમજોને કે આશરે દસ વર્ષ થઈ ગયા હશે. આમ અચાનક સામે ભેટો થતા ખુશીની સાથે સાથે થોડી હેરાની પણ થઈ અને થાય પણ ખરી ને અભ્યાસ છોડયા બાદ એકજ શહેરમાં રહેતા હોવા છતાં આટલા લાંબા ગાળે આમ મુલાકાત થાય તો નવાઈ તો સ્વાભાવિક પણે લાગવાની છે.

મે મારા બાઈકને સાઈડમાં ઊંભુ કર્યું અને ફટાક દઈ ખુબ હર્ષ સાથે રાહુલને ગળે લગાવ્યો. એના ચહેરા પર પણ ખુશી છલકાતી હતી. થોડી વાર ત્યાં જ વાતો કરી પણ એટલી વાતોથી મનના ભરાણું એટલે રાહુલને મારા ઘરે ચાલવાનું કહ્યું. થોડી આનાકાની તો કરી એને પણ મારી જીદ આગળ એને નમતું નાખ્યું અને મારી સાથે ચાલવા તૈયાર થઈ ગયો.

ઘરે પહોંચ્યા બાદ તો પહેલા ચા નાસ્તો કર્યો અને બન્ને જણ વાતે વળગ્યા, મારા પત્ની પણ અમારી વાતોમાં જોડાઈ ગયા.

મે કહ્યુંઃ યાર રાહુલ ઘણા સમય બાદ તું મળ્યો, એક ગામમાં હોવા છતાં તને મળવાનું મનના થયું?

રાહુલઃ ના યાર એવું નથી પણ...

આટલું કહી તે અટકાઈ ગયો.

મે કીધું કેમ શું થયું?

રાહુલઃ યાર કાંઈ નહી હમણાં થોડો ટેન્શનમાં છુ.

કેમ કઈ વાતનું ટેન્શન? હું બોલ્યો.

રાહુલઃ યાર તને જાનકી યાદ છે?

થોડું વિચાર્યા બાદ હું બોલ્યોઃ હા

રાહુલઃ યાર અમે બન્ને એક બીજાને બહુ પસંદ કરીયે છીયે..

ઓહ ગ્રેટ

ક્યારથી?

યાર તુ તો છુપો રૂસ્તમ નીકળ્યો હો...

મારાથી વચ્ચે જ બોલાઈ ગયું.

રાહુલઃ યાર ચારેક વર્ષ થઈ ગયા..

ઓહો.. ક્યાં ભેટો થઈ ગયો યાર જાનકીથી?

રાહુલઃ એવું છે કે ઓળખાણ તો આપણે ભણતાં ત્યારની હતી પરંતુ જ્યારથી અમારા પડોશમાં રહેવા આવી ત્યારથી એનાથી પ્રેમ કરી બેઠો..

લ્યો... મિયા બીવી રાજી તો ક્યા કરેગા કાજી.. તો આમા ટેન્શનની શું વાત છે યાર. તમે બન્ને એક બીજાને પસંદ કરો છો તો કરો કંકૂ ના.. મારા મોઢેથી આ શબ્દો સરી પડયા, પણ રાહુલની શકલ પર મારી આ વાતની જાણે કોઈ અસર ના થઈ હોય એમ મને લાગ્યું. મે પાછું થોડું સિરિયસ થઈ પુછ્‌યું. આમા પ્રોબ્લેમ જેવી વાત શું છે?

રાહુલઃ યાર તું તો જાને છે કે અમારી બન્નેની જાતી અલગ છે, આના લિધે અમારા પરિવારવાળાને અમારો સંબંધ મંજુર નથી અને બિલકુલ વિરોધમાં છે, અમે એક બીજાને એટલો પ્રેમ કરીયે છિયે કે અલગ થવું અમને મંજુર નથી, પણ સાથો સાથ પરીવાર પણ છોડવાનું મન નથી, જાનકી તો કહે છે કે આપણે કોર્ટ મેરેજ કરી લઈયે પણ હુ નથી માનતો આ વાત ને..

કેમ? ના માનવાનું કોઈ કારણ તો હશે ને? એની વાત ને રોકતાં હુ બોલ્યો.

રાહુલઃ યાર વિચારૂં છું કે જે મા-બાપ પોતાના સંતાનને ઉછેરી પગભર કરે, ભણાવે ગણાવે અને જ્યારે એમની જવાબદારી પૂર્ણ કરી સંતાન પાસે થોડી અપેક્ષા રાખે અને એજ સંતાન એમના હ્ય્દયને ઠેશ પાહોચાડે ત્યારે એમના પર શું વિતશે એ વિચારે થોડો પાછળ પડું છુ.

હુ અને મારા પત્ની ચુપ-ચાપ એની વાત સાંભડતાં હતા.

રાહુલઃ મારા પરિવાર ને તો કોઈ ફરક નહી પડે મારા હિસાબે, પરંતુ જાનકી ના પરિવાર નું શું? આમ પણ આપનો સમાજ છોકરા ના લક્ષણને વધું પ્રાધ્યાન નથી આપતા પરંતુ છોકરીનું એક ગલત કદમ એનું અને એના પરિવાર નું જીવન તહસ નહસ કરી નાખે છે.

રાહુલ ની આ વાતે મને સ્તબ્ધ કરી નાખ્યો, જે વ્યક્તિ ક્યારેય સિરિયસ નથી થયો એની વાતો આટલી ગંભીર ક્યાર થી થઈ ગયી?

થોડો સ્વચ્છ થઈ મે પુછ્‌યું તો હવે શું વિચાર કર્યો તમે બન્ને જણે?

રાહુલ : યાર પ્રયત્ન ચાલુ છે ઘર વાળા ને સમજાવાના પણ ઘર વાળા ટસ ના મસ નથી થતાં.

આટલું કહેતા તો એના અવાજમાં થોડું ભારેપણું આવી ગયું. થોડી વાર માટે જાણે સન્નાટો છવાઈ ગયો હોય એવો અહેસાસ થઈ ગયો.

પોતાની સ્થિતિ સુધારી તે આગળ બોલ્યો , બસ આજ વાત છે યાર, એક બાજું પરિવાર ને એક બાજું પ્રેમ છે. શું કરવું, કયો રસ્તો અપનાવું તે સમજાતું નથી. પરિવારનું વિચારવા જઉ તો પ્રેમ દૂર થાય એમ છે ને પ્રેમનો વિચાર આવે ત્યારે બન્ને ના પરિવારનો વિચાર આવે છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે જાણે પ્રેમ કરવો કોઈ મોટો ગુનો હોય અને અમે બન્ને કોઈ ગુનેગાર હોઈએ. જાણે અમારૂં કોઈ અસ્તિત્વજ ના હોય આ જગમાં .

રાહુલ બોલતો રહ્યો ને અમે બન્ને ચુપ ચાપ એની વાત ની ઉંડાઈ ને સમજવાની કોશિષ કરતા હતા.

થોડી વાર માટે પાછો સંન્નાટો છવાઈ ગયો.

અમારા ત્રણેય ના ચહેરો એક બિજા ને જોવા લાગ્યો, જાને આંખોથી વાર્તાલાપ થતો હોય એમ લાગવા લાગ્યું.

થોડી હિમ્મત કરી મે પાછી શરૂઆત કરી..અને રાહુલ ને સાંન્ત્વના આપી અને કહ્યું કે સમય વિતે બધું સારૂ થઈ જશે . મારી આ વાત થી રાહુલના ચહેરે એક હલ્કી મુશ્કાન આવી પરંતુ ક્ષણભર માટે જ.

મારા મનમાં હજારો વિચાર ફરતા થયા, નાત-જાત ના આવા ભેદભાવ ક્યારે દૂર થશે? પ્રેમીઓ કોઈ ખોટુ પગલું ઉપાડે એવા એમને શું કામ મજબુર કરવા જોઈયે?

સમજો મારૂ તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. અને એ પણ ધ્યાન ના રહ્યું કે રાહુલ મારા સામેજ છે.

ફરી સ્વસ્થ થઈ હું બોલ્યોઃ યાર મારા લાયક કોઈ કામ હોય, કોઈ મદદની જરૂર હોય તો બે-ફિકર થઈ ને કહેજે.

રાહુલઃ ચોક્કસ યાર.

થોડીવાર બાદ રાહુલે નમ આંખોએ મારા ત્યાં થી વિદાઈ લીધી. પણ મારી નજર સમક્ષ અને મગજ પર હજી સુધી એની વાતો ફરી રહી હતી. પ્રેમ એક વ્યક્તિનાં જીવન માં કેટલો ફરક લાવે તે સાંભળ્યું હતુ પણ આજ તો નજરો નજર જોઈ લિધું.

માનવામાં નથી આવતું કે આ એજ વ્યક્તિ છે જે વર્ષો પહેલા બધી વાતો મજાક માં લેતો, નાની મોટી હર પરિસ્થિતિને હસવામાં નિકાળતો.

આજ રાહુલ ની વાત ઘણું કહી ગયી અને વિચારતા કરી ગયી કે પ્રેમ ફક્ત પામવાનું નામ નથી પ્રેમ માં બલિદાન આપીને પણ એને નિભાવિ શકાય છે.

પણ અફસોસ કે બધા વ્યક્તિઓ કે પ્રેમીઓના વિચારો રાહુલ જેવા નથી હોતા.

હવે તો ભગવાનથી પ્રાથના કરૂ છું કે રાહુલ અને જાનકી ના પરિવાર જનો બન્નેનો પ્રેમ અપનાવી લે.

પણ કુદરત ની રમત કૈક અલગ હતી. ના એમના પરિવાર માન્યો ને ના એ બન્ને એક થયા, જાનકી નો પરિવાર બીજા શહેરમાં સ્થાયી થઈ ગયો. રાહુલ અને જાનકીનું મળવાનું એક દમ બંધ થયું . પણ બંન્ને જણા હજી કુંવારા હતાં

સમય ક્યાં કોઈની રાહ જુએ છે, એતો એની નિર્ધારિત ગતી એ ચાલ્યો જાય છે. ખૂબ લાંબા સમય બાદ કોઈ ત્રીજાજ સ્થળે રાહુલ અને જાનકી અચાનક એક બીજાના સામે આવીને ઉભા, બે માંથી એકેય કાઈ બોલી ના શક્યા પણ એમની આંખો ઈશારા ઈશારામાં વાતો કરી રહી હતી. બંન્ને ના હાલ પણ ખરાબ લાગી રહ્યા હતા. અને આજ એમની મુલાકાત થઈ તો પણ એક હોસ્પીટલમાં..!!

બન્યું એવું કે જાનકીના પિતા ની સારવાર આ હોસ્પીટલમાં થઈ રહી હતી અને રાહુલ પોતાની સારવાર અર્થે આવ્યો હતો. રાહુલની તબિયત ખાસ્સા સમયથી સારી નથી રહેતી, તેથી એના ફેમેલી ડોક્ટરે આ હોસ્પીટલનું નામ આપી વધું સારવાર માટે અહી રેફર કર્યો હતો.

રાહુલને જાણ થઈ એટલે જાનકીના પિતાના ખબર અંતર પૂછવા એમની પાસે જાય છે. રાહુલને જોઈને જાનકીના પિતાએ પોતાનો ચહેરો ફેરવી નાખ્યો. રાહુલ સમજી ગયો ને ત્યાંથી બહાર નીકળે છે. જાનકી પણ રાહુલ પાછળ બહાર આવે છે અને કહે છે

"અમારે હજી બે-ચાર દિવસ અહીં રહેવાનું છે તો પ્લીઝ મળતા રહેજો અને તબિયત સાચવીને કામકાજ કરજો"

જાનકી માત્ર આટલુંજ બોલી શકી અને એની આંખમાં આંસુ આવી ગયા રાહુલ થી પણ ના રહેવાણું અને એ પણ સાવ ઢીલો થઈ ગયો અને જાનકી ને બાથમાં ભરીને બોલ્યો "પ્લીઝ રડ નહિ બધું સારૂ થઈ જશે, હું પાછો કાલે આવીશ તને મળવા,પપ્પાનું ધ્યાન રાખજે."

આટલું કહી રાહુલ ત્યાંથી રવાના થાય છે. આ બાજું જાનકી ના પિતાને હવે રાહુલ સાથે પોતે કરેલા વ્યવહારનો પસ્તાવો થાય છે અને જાનકી ને કહે છે કે હવે રાહુલ આવે એટલે મારી પાસે લઈ આવજે મારે કામ છે એનું.

આ સાંભળીને જાનકીના ચહેરે નાની સરખી મુસ્કાન આવી અને રાહુલના આવવાની રાહ જોવા લાગી.

દિવસ ઉગ્યો, સવાર થઈને જાનકી ઘડી બહાર જાય તો ઘડી હોસ્પીટલનાં મુખ્ય દરવાજે જોવા જાય પણ રાહુલ ના દેખાય એટલે પાછી રૂમમાં આવી જાય. સવારની સાંજ થઈ પણ રાહુલ ના આવ્યો . આમને આમ એક અઠવાડિયું થઈ ગયું પણ રાહુલના કોઈ સમાચાર ના મળ્યાં. આખરે જાનકીના પિતાને રજા મળી અને એ લોકો પોતાના ઘરે જતા રહ્યા. ઘરે જીને જાનકીના પિતાએ મને બોલાવ્યો અને રાહુલ અને જાનકીનાં સંબંધને મંજૂરી આપી અને કહ્યું "મારી તબીયતો હાલ બહાર નીકળે એવી છે નહી તો તમે અને જાનકી રાહુલના ઘરે જી આવો અને એના પિતાને આ સમાચાર આપતા આવો".

મારી ખુશીનો કોઈ પાર ના રહ્યો. હુ અને જાનકી રાહુલના ઘરે ગયા પણ રાહુલના ઘરને તાળું લાગેલું જોઈ થોડી હેરાની થાય છે. આજુબાજુમાં પૂછપરછ કરી તો જાણકારી મળી કે ચાર પાંચ દિવસથી ઘર બંધ છે કોઈને પણ કોઈ જાતની જાણકારી નથી. ઘણી તપાસ કરી પણ રાહુલ કે એના પરિવારના કોઈ સમાચાર ના મળ્યાં. દિવસોના દિવસ પસાર થવા લાગ્યાં પણ રાહુલનો કોઈ પતો ના મળ્યો.

હું રોજ એક-બે વાર રાહુલના ઘરના રસ્તે થી પસાર થતો પણ હંમેશ મુજબ ઘર બંધ હોતુ. લગભગ બે વર્ષે રાહુલનું ઘર ખુલ્લું જોયુ. હું ખુશ થઈને ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં રાહુલનાં માતા-પિતા હતા પણ રાહુલ નજરે ના ચઢ્‌યો એટલે મેં કહ્યું, "અંકલ રાહુલ ક્યાં છે?"

રાહુલના માતા-પિતા મારા સામે જોવા લાગ્યા પણ કાંઈ બોલ્યા નહિ. મેં ફરી પૂછ્‌યું તો એમની આંખોમાં આસું આવી ગયાં, કંઈ પણ બોલ્યા વગર બંન્ને દિવાલ તરફ જોવા લાગ્યા, મેં પણ પાછું ફરી દિવાલ પર નજર કરી તો જાણે મારા પગ નીચે થી જમીન ખસી ગઈ હોય એવો આઘાત લાગ્યો. દિવાલ પર. રાહુલની તસ્વીર પર માળા ચઢાવેલ હતી. મારી આંખોમાં પણ આસું આવી ગયા અને ચૂપચાપ તસવીર જોતો રહ્યો, આખરે થોડી હિમ્મત કરીને હકીકત પૂછી.

રાહુલની તબિયત સુધારવાનું નામ નતી લેતી ત્યારે ડોક્ટરે અલગ અલગ ટેસ્ટ કરાવ્યાં તો બહાર આવ્યું કે રાહુલને બ્લડ કેન્સર છે. રાહુલ જ્યારે જાનકીને મળ્યો એજ દિવસે રીપોર્ટ આવ્યો. જાનકીને આ વાતની જાણ ન થાય એટલે સારવાર માટે અમદાવાદ જતો રહ્યો. એના પરિવારના સભ્યોને પણ કહી દીધું કે આ વાત હાલ બહાર ના પાડે. સારવાર દરમ્યાન એક દિવસ અચાનક રાહુલની તબિયત ઘણી બગડી ગઈ વધું સારવાર મળે એ પહેલા તો રાહુલે દમ તોડી દીધો. ત્યાર બાદ રાહુલના વતનમાં જી એની અંતિમ ક્રિયા કરી. થોડા દિવસો બાદ તેઓ પાછા ઘરે ફર્યા.

આટલું બધું થઈ ગયું પણ મને કે જાનકીના પરિવારને કોઈ જાણ ના થઈ. થોડીવાર ત્યાં રોકાઈ મેં ત્યાંથી રજા લીધી. હવે જાનકીને મારે આ સમાચાર કેમ આપવા એ વિચારવા લાગ્યો. થોડી હિમ્મત કરી હું જાનકીના ઘરે ગયો. મને જોઈ જાનકી ખુશ થઈ ગઈ અને રાહુલના સમાચાર પૂછયા.

મેં મારા મન ને થોડું મજબૂત કરી હકીકત કહી. મારી વાત સાંભળીને જાનકી જમીન પર ઢળી પડી. હું ને એના પિતા એના તરફ દોડયા પણ જાનકી બેહોશ હતી. હોશ ના આવ્યો તો એને અમે હોસ્પીટલમાં લાવ્યાં પરંતુ ડોક્ટરે તપાસી ને કહ્યું "શી ઈસ નો મોર".

એક બાજુ એના પિતાને ખૂબ આઘાત લાગ્યો તો બીજી બાજું હું મારા હોશ ખોઈ બેઠો હતો. જાનકી ના પિતાને સાચવું કે ખૂદને કાંઈ સમજાતું નતું. આખરે થોડો સ્વચ્છ થઈને જાનકીના પિતાને એમના ઘરે લઈ ગયો. હોસ્પીટલની ફોર્માલીટી પતાવ્યા બાદ જાનકીની અંતિમ ક્રિયા કરી.

આજ બનેલા આ બનાવથી હું માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો. કાંઈ પણ કામ સુજતું ન હતુ. બસ રાહુલ અને જાનકીના જ વિચારો મનમાં ફરતા હતા. જીવતા હતા ત્યારે બેયના પરિવારજનો એમના વિરોધમાં હતા જ્યારે સહમત થયા તો એ વાત કદાચ કીસ્મતને મંજૂર નહિ હોય.

રાહુલ-જાનકી પ્રેમમાં સાથે રહી તો ના શક્યા પણ એમનું મરણ એમને હંમેશા માટે એક કરી ગયું.

અસ્તું.

"દિલ" પ્રજાપતિ દિલીપ