પિક્ચર દિવસ અને પહેલી મુલાકાતનો પ્રેમ
હકલાતો ઇજનેરી મિત્ર
ભાગ - ૨
“અલ્યા હેડ ક ભઈ, જલ્દી કર. ૧૧:૩૦ વાગ્યા લા. નેતર ડસ્ટરની ચાવી નાખ.” મને તિર્થે શુદ્ધ મેહોણી ભાષામાં બૂમ પાડી.
“આમ ઉભોરે ડસ્ટરની ચાવી વાળા. આવું છું. લોક ખોલું ગાડીમાં બેસ.”
હું બહાર આવ્યો ત્યાં તો એ આજે પણ એની કેપરી અને રોજની ટી-શર્ટમાં જ હતો. અને હું ટીપટોપ શર્ટ અને જીન્સમાં.
“અલ્યા, આજે તો પેન્ટ પહેરવું હતું. પિક્ચર જોવા જઈએ છીએ, ખબર છેને.” મેં ગાડીનો દરવાજો ખોલતા કહ્યું.
“અલ્યા, મને જેમાં comfortable લાગે અમાં જ અ...અ..આવુંને યાર.” આટલું કહીને, એણે ગાડી ચાલુ થતાની સાથે જ ફટાક દઈને A/C ચાલુ કરી દીધું.
હું ગાડી ચલાવું એટલે નોર્મલી જુના જ ગીતો વગાડું. જે તિર્થને ઓછા ગમે.
“અલ્યા, બહું વેહલા નથી જતાં લા!. આટલી જલ્દી શું કરીશું ત્યાં જઈને? ”
“તું વિ.વિ..વિચારજે શું કરવું એ. હું આજુબાજુંનું વાતાવરણ જોઇશ. આઇટેમ જેવો છે યાર તું.” હસતાં હસતાં એણે કહ્યું.
થિયેટર ૪-૫ કિલોમીટર જ દૂર હતું. એની નજર અત્યારથી આજુબાજુ ફરવા લાગી હતી. મને હસવું પણ આવતું હતું.
“તું ગાડી પાર્ક કરીને ઉપર આય. હું ઉપર જઈને ટિકિટ કઢાવું. ઈ-બુકિંગ છે એટલે બ..બ..બહું વાર નહી લાગે.” આટલું કહીને થિયેટર આવ્યું એટલે ઉતરી ગયો.
***
હું ઉપર પહોચ્યો ત્યાં તો એ હજી લાઈનમાં જ ઉભો હતો. મેં ભી આજુબાજુનું વાતાવરણ જોયું. પણ પિકચરના પોસ્ટર જ જોયા મળતા હતાં. સૌથી પેહલા અમે જે જોવા ગયા હતા એ કરસનદાસ પે એન્ડ યુઝ પર જ નઝર પડી.
હાલ્ફ ગર્લફ્રેડ, રાબતા, સચિન-એ બિલિયન ડ્રીમ્સ, બેવોચ, કરસનદાસ પે એન્ડ યુઝ બધાના પોસ્ટર મુકેલા હતા. મને થયું કે આટલા સારા બોલીવુડના પિક્ચર મુકીને અમે આ પિકચર જોવા જઈએ છીએ. આવું લાગ્યું કે પૈસા ગયા તો ગયા પણ ૩ કલાક બગડે ના.
“બાબુ, હાલ્ફ ગર્લફ્રેડ, જોવું છેને.” એક કપલનો જતાં-જતાં અવાજ આવ્યો.
“જેમાં ભીડ ઓછી હોય એની ટિકિટ લેજો.” એક બીજાં કપલનો અવાજ આવ્યો.
મને તો બધે પ્રેમી-પંખીડા જ દેખાતાં હતાં.એવું લાગ્યું ખોટી જગ્યાએ આવી ગયા કે શું. જ્યાં જુવો ત્યાં બે-બે લોકો હતાં. અને ક્યાંક ૫-૭ લઠ્ઠાનું(છોકરાઓનું) ઝુંડ દેખાતું હતું. પણ એટલામાં....
એટલામાં મારા થોડાક આગળથી બધા પ્રેમી-પંખીડાંને તીરની જેમ વેધીને એક છોકરીને જતાં જોઈ. ભીડમાં મોઠું સરખું જોવા ન મલ્યું પણ ખબર નહી કેમ, મારું ધ્યાન ખેંચી ગયી. અને બે મિનીટ માટે વિચારવાની શક્તિ બંધ કરીને ગયી. અને ભીડમાં એકાએક ગાયબ થયી ગયી.
“ઓ .ઓ...ઓડીટોરીય-૨ માં છે ચલ.” થાકીને આવ્યો હોય એવી રીતે તિર્થ બોલ્યો.
ચાલતાં-ચાલતાં ચેકીંગ કરાવીને આગળ જતાં હતાં. પણ મારી નજર તો પેલી છોકરીને જ શોધતી ડાફેરીયા મારતી હતી.
“અલ્યા, જોરદાર લાગે છે લા.” તિર્થનો અવાજ આવ્યો.
તિર્થ જે બાજું જોઇને બોલ્યો ત્યાં મેં પણ નજર ફેરવી. ત્યાં તો એજ છોકરી નજરે પડી જે બહાર દેખાઈ હતી.
લાલ અને બ્લેક કલરનાં આખી સ્લીવના લાંબા ટોપમાં, જેમાં ઘણાં લાલ, લીલા, સફેદ, બ્લુ અને બીજાં ઘણા રંગની ગૂંચળા ડીઝાઇન કરેલી હતી. બેના સોફામાં એકલી, એક બાજું એ બેસેલી અને બંને કોણી બે પગનાં ઢીંચળના સહારે ટેકવેલી અને હાથમાં રહેલી ટિકિટને વારંવાર ફેરવતી હતી. ડાબા હાથમાં પાતળા લેધરના બ્રાઉન બેલ્ટ વાડી ઘડિયાળ હતી જેનું ડાયલ સિલ્વર રંગના ગોળ આકારનું દેખાઈ રહ્યું હતું. જમણા હાથમાં ૧ કે ૨ લાલ રંગના પાતળા દોરા ટોપની ફુલ સ્લીવમાંથી એને જોઈ રહ્યા હતા. થોડા આછા કાળા વાળમાં, તેણે કાળા રંગની જ રીંગથી ઉંચી પોની વાળેલી. મોઢું નીચેની બાજું હાથમાં રહેલી ટિકિટ બાજું હતું. લાઈટ બ્લુ રંગનું જીન્સ પહેર્યું હતું. જે એના ટોપ સાથે જાણે કહેર વરસાવી રહ્યું હતું. જીન્સ પણ એન્કલની લંબાઈનું હતું એટલે એના પગમાં લાલ અને લીલા રંગની ગોળ મોતીઓવાળી પાયલ એના સફેદ પગની શોભા વધારી રહી હતી. પગમાં લાલ રંગના પગરખાં જે એની બધી આંગળીઓને ઢાંકી રહ્યા હતા એ થોડાક જુદા દેખાતા હતાં. પણ એટલા સારા હતા કે મારું ધ્યાન ખેંચવામાં સફળ હતા.
એકદમ સ્લો મોશનમાં થતું હોય એમ તેણે નજર ઉપર કરી. મિડીયમ વાઈટ અને લાઈટ બ્રાઉન રંગના એના ચેહરા પર કાળા રંગની પાંપણ એકદમ પરફેક્ટ મોશનમાં એની આંખોને ખોલ-બંધ કરી રહી હતી. આઈ-બ્રોસ, નાક અને લાલાશ ગાલની એ પહેલી ઝલક તો મને હજી પણ યાદ છે. ડાબા ગાલ પર ગળાથી થોડેક ઉપર એક નાનો પણ સુંદરતામાં વધારો કરે એવો તલ હતો. હોઠ જેને લીપ્સ્ટીકની જરૂર ન પડે એવા લાલાશ પડતા, નજરને તીરની જેમ ઘા કરતાં હતા. આજુબાજુના લોકો જાણે ધૂંધળા ધુમ્મસમાં ખોવાઈ ગયેલ હોય એમ ફક્ત એજ નજર આવી રહી હતી.
અંતે નજીક પહોચતાં જાણ થયી કે તે છોકરીને કોલેજમાં એક કે બે વાર જોયેલી છે, પણ આજે કંઇક ધ્યાનથી નિહાળવાથી કંઇક અલગ જ દેખાઈ રહી હતી. ચાર, માત્ર ચાર ડગલાં ભરવામાં એને બહું જ નજીકથી નિહાળી લીધી હતી. આજુબાજુ બધા પૂર આવ્યું હોય એમ દોડધામ કરતાં હોય એવું લાગતું હતું. પણ મારા દિલમાં તો વાવાઝોડું ફરી વળ્યું હોય, એવું વર્તાઈ રહ્યું હતું.
એટલામાં મારી નજર બાજુંમાં ચાલતા તિર્થ પર પડી. તે પણ એજ છોકરીને જોઈ રહ્યો હતો.પણ આંખો પહોળી લીંબુ જેવી થયી ગયી હતી. આંખનો પલકારો પણ ઝબકતો નહોતો. અને મોં તો બે-ત્રણ લાડવા જાય એટલું ખુલ્લું હતું. જો મેં એને ભાનમાં લાવવા કોણીથી ધક્કો માર્યો ના હોત તો અડધો લીટર લાળ તો મોઢાંમાંથી પડી જ જાત પછી એને ભાનમાં લાવીને થોડોક દૂર લઇ ગયો.
“અલ્યા ભઈ, લાગે છે કે ચેતન ભગતની અ..અ..અનન્યા અને રિયા મળી ગયી.” તિર્થ ભાનમાં આવતાની સાથે જ બોલ્યો.
“ઓ, રેવોલ્યુસન ૨૦૨૦, એ કોઈ અનન્યા અને રિયા નથી, અમારી કોલેજમાં ભણે છે, પણ યાર નામથી ઓળખતો નથી.” મેં કહ્યું.
“જોરદાર લા, આટલુંતો બહું છે તેની જોડે વ..વાત કરવા માટે.”
“અલ્યા પણ તું વાત શું કરે ?”
“જો ભાઈ, જેવી રીતે છોકરી ટિકિટ ગોળ ગોળ ફેરવતી બેઠી છે. ઘડીએ-ઘડીએ ટાઇમ જોવે છે. એના પરથી એવું લાગે છે કે કોઈક ની રાહ જોવે છે. કોઈક આવે ત્યાં સુધી વાત કરીએ, પછી જોયું જશે જે થાય એ.” આટલું કહીને વાત કરવા એની તરફ જવા લાગ્યો. મારી જોડે બીજો કોઈ ઉપાય નહોતો એટલે જોડે જવું પડ્યું.
“હાય !” ત્યાં પહોચીને તિર્થે કહ્યું.
પેલી થોડીક ચોંકી ગયી. અને પોતાની તરફ આંગળી કરીને તેની જોડે જ વાત કરી કે નહી એવા હાવ-ભાવ આપવા લાગી.
“હેલ્લો, આર યુ વેટીંગ ફોર સમવન?” ખબરનહી પણ છોકરીઓ જોડે વાત કરવામાં ક્યારેય અચકાયો નથી. એ વખતે એવું લાગતું કે એને બોલવામાં કઈ પ્રોબ્લેમ જ નથી.
“યેસ” આટલું જ કહીંને તેણે મોઢું ફેરવી દીધું અને વાત ન કરવી હોય એવી રીતે બીજી બાજું જોયું.
“એક્ચુલી, માય...માય ફ્રેન્ડ વ..વ..વોન્ટ ટૂ પ્રોવાઈડ એ ક..ક..કંપની ટૂ યુ, બિકોઝ... બિકોઝ યુ બોથ અ..અ..આર ઇન એ સેમ કોલેજ, એન્ડ માઈટ બી ઇન સેમ બેચ.” તિર્થની દાળ ગળી નહી એટલે આટલું વાક્ય કહીને મને આગળ કરી દીધો.
“હેલ્લો, આઈ એમ કૃણાલ. આઈ હેવ સીન યુ નીઈર B.Com. ફર્સ્ટ યેઅર D ડિવીસન. આઈ વોસ ઇન બી ડિવીસન. ફોર ફર્સ્ટ યેઅર” મેં થોડાક ડરતાં હાવ-ભાવથી કહ્યું. પણ એણે ખબર નઈ કેમ કાન્વેન્સિંગ સ્માઈલ આપી.
“યા, માઈટ બી આઈ હેવ ઓલ્સો સીન યુ.” હાથ લંબાવતા કહ્યું. મેં હાથ મિલાવ્યો.
“બાય થ વે, આઈ એમ અનન્યા...” આટલું બોલતા જ પાછળ થી અવાજ આવ્યો.
“સ..સ..સ્વામીનાથન, મેં કહ્યું હતું આ ચેતન ભગત વાળી જ છે.” ધીમેથી તિર્થ બોલ્યો પણ ખાલી મને જ સંભળાયુ.
“વોટ, વોટ હી ઇસ સેઇંગ?, એન્ડ બાય ધ વે, હૂં ઇસ હી?”
“નથીંગ, હી ઇસ માય ફ્રેન્ડ.” મેં વાત ને તાળતા કહ્યું.
“ટોપા સાલા, આજે તો બેસ્ટ ફ્રેન્ડ કેવાયને” મને જોરથી કોણી મારી.
“ઓહ, આય’મ અનન્યા દવે. નાઈસ ટૂ મીટ યું.” તિર્થને પણ હાથ લંબાવ્યો.
“આય’મ ક...ક્રિશ” બહું જ મનમાં ધીમેથી બોલ્યો અને હાથ મિલાવ્યો.
“વોટ ?, ક્રિ...”
“તિર્થ... તિર્થ, હવે યુ હર્ડ સમથીંગ એલ્સ?” તિર્થે હસતાં જવાબ આપ્યો.
“વાય, આર યુ સ્ટેન્ડિંગ, સીટ ના” અનન્યાએ મારી સામે જોઇને કહેલું પણ, પેલો તિર્થ ઝડપથી એની બાજુમાં જઈને બેસી ગયો.
“બેસ ને ભાઈલા, બાજુનો સોફા ખાલી જ છે.” મને ટોણો મારતાં કહ્યું. એટલામાં અનન્યાનો ફોન આવ્યો.
‘યાહૂ, ચાહે કોઈ મુજ્હે જંગલી કહે, યાહૂ........’
“હેલ્લો, ક્યાં છો યાર? કેટલી વાર? કોઈનો ફોન પણ નથી લાગતો?” પછી થોડીક વાર સાંભળતી હતી.
“અલ્યા આતો, ગુજરાતી છે લા, મારો ૨ સ્ટેટનો ચ..ચાન્સ તો ગયો યાર.” તિર્થનું મોઢું ખરેખર પડી ગયું.
“અરે યાર, ભલે ચલ, પણ જલ્દી કરજો.” અનન્યાનું મોઢું પણ પડી ગયું.
“તમે ગુજરાતી જ છો?, મને થયું કે આઉટસ્ટેટના છો.” મેં મૂડ ઠીક કરવા પૂછ્યું.
“અક્ચુલી, મૂળ વતન તો રાજસ્થાનમાં છે. પણ મારા દાદા ઘણાં વર્ષો પહેલા અહીયા રેહવા આવ્યા હતા, એટલે હવે ગુજરાતમાં જ રહીયે છીએ.
તિર્થના મોઢાં પર રાજસ્થાન સાંભળીને ફરી ચમક આવી ગયી અને એકીદમ વાતમાં કૂદકો માર્યો.
“ના હોય એમ, ક્યાં રહો છો ગુજરાતમાં, ગાંધીનગરમાં જ રહો છો.” ખબર નઈ કેમ પણ શુદ્ધ અને સળસળાટ ગુજરાતી બોલતો હતો.
“ના એક્ચુલી, અમે મહેસાણામાં રહીએ છીએ. બટ કોલેજ અહીયાં છે એટલે, હું કોલેજની હોસ્ટેલમાં રહું છું.”
“અચ્છા, મેહોણી છો. મારાં મામાનું ઘર ત્યાં જ છે.” તિર્થે હસતાં-હસતાં કહ્યું.
“એમ. ગ્રેટ” તિર્થની વાત સાભળીને એ પણ હસી. હું તો એની હસી સામે જ જોઈ રહ્યો હતો. એટલામાં તિર્થ ફોનમાં કંઇક કરવા લાગ્યો.
“તમે બંને ગાંધીનગરમાં જ રહો છો.”
“હા, બંને સામ-સામેના ઘરમાં જ રહીએ છીએ. સેક્ટર - ૨૫ માં” મેં જવાબ આપ્યો. તિર્થ હજી પણ ફોનમાં જ મશગૂલ હતો.
“તમે એકલા જ આવ્યા છો? કોઈ ફ્રેન્ડસ નથી આવ્યા?” મેં પૂછ્યું. પણ તિર્થ હજી પણ શાંત થઈને ફોન મંતરતો હતો મને કંઇક રંધાઈ રહ્યું હોય આવું લાગ્યું.
“ના યાર, એમનો જ કોલ હતો, એ લોકો ને આવતા વાર થશે.”
“કરસનદાસ જોવા આવ્યા છો?” મેં પૂછ્યું.
“મારી તો બહું ઈચ્છા નહોતી. પણ ફ્રેન્ડસએ ફોર્સ કર્યો. એટલે....કરસનદાસ...”
અમે બંનેએ એક એકબીજાને જોઇને સ્માઈલ આપી અને થોડીક વાર બધા ચુપ જ રહ્યા.
મને તિર્થે મારો ફોન જોવાનો ઈશારો કર્યો. મેં ખિસ્સામાંથી ફોન કાઢીને જોયું તો એનો મેસેજ હતો કે. ‘મારા એટલે કે તિર્થના ફોન પર કોલ કરું.’ મને થોડુંક અજુગ્તું લાગ્યું. પણ મેં કોલ કર્યો. અને રિંગ વાગી.
‘યાહૂ, ચાહે કોઈ મુજ્હે જંગલી કહે, યાહૂ........ યાહૂ’
મને હવે ખબર પડી કે ક્યારનો એ ટોપો કરતો તો શું. હંમેશા સાઈલેંટમાં ફોન રાખતો હતો અને, અનન્યાના જેવી જ રિંગટોન મૂકેલી ભાઈએ. મને ખરેખર બહું જ ગાળો આપવાનું મન થયું. પણ સાલાની ખોપડીના આઈડિયાને બિરદાવવાનું મન પણ થયું. એમ-નમ હસતાં-હસતાં ફોન પર વાત કરતો હોય એમ ઊભો થઈને જતો રહ્યો. અને બે મિનીટ એકટીંગ કરીને પાછો આવ્યો અને બેસી ગયો. પણ અનન્યાને ઈમ્પ્રેસ્સ કરવામાં સફળ થયી ગયો હતો.
“વોટ એ કો-ઇન્સીડંસ, મારે પણ સેમ જ રિંગટોન છે. તમને પણ જૂનાં ગીતોનો બહું જ શોખ લાગે છે.” અનન્યાએ તિર્થની સામે જોઇને સ્માઈલ કરી.
“હા બહું જ. આતો મારું ફેવરીટ ગીત છે.” તિર્થે મારી સામે જોઇને હસતાં-હસતાં કહ્યું.
એ જંગલીને ખરેખર મુક્કો મારવાનું મન થયું.
“ચાલો, શ..શો નો ટાઇમ થયી ગયો. ઓડીટોરીયમમાં જઈને બેસીએ.” તિર્થે બંનેની સામું જોઇને કહ્યું.
“ભલે, તમે લોકો જાવ, હું મારા ફ્રેન્ડસ લોકો જોડે આવીશ.”
“અરે, આવું હોય કંઈ, ચાલો અમારી જોડે, એમની જોડે એમની ટીકીટ છેને?, આવી જશે એ લોકો.” મેં કહ્યું.
“ભલે, એ લોકો જોડે ટીકીટ છે જ, ચાલો.”
બધા ઓડીટોરીયમમાં જવા લાગ્યા.
“તમે ટીકીટ ક્યારે લીધી? તમારી સીટ કઈ છે?” તિર્થે ચાલતા-ચાલતા પૂછ્યું.
“અમે કાલે જ ટીકીટ લઇ લીધી હતી. અને બધાએ પોતાની જોડે રાખી હતી. ક્યાંક મોડું થાય તો. અમ.. મારી સીટ A-૫ છે.
“ઓહો, અમારી A ૭-૮ છે.”તિર્થે કહ્યું.
પાછળની મસ્ત સોફાવળી સીટ બુક કરાવેલી. પણ મને ખુશી એ હતી કે અનન્યા પણ A લાઈનમાં જ હતી. પણ વચ્ચે A-૬ પર એક નાનો છોકરો પહેથી જ બેસેલો હતો. બધા પોત-પોતાની જગ્યા પર બેસી ગયા. હું A-૭માં અને અનન્યા A-૫માં. હવે વચ્ચે એક છોકરો બેઠો હતો. જેને ઉઠાડવાનો હતો. હું કંઇક વિચારું એના પેલા તો, તિર્થ ઊભો થયો અને તે છોકરાની બાજું જઈને ખિસ્સામાંથી કંઇક નીકાળ્યું. અને એના કાન બાજું જઈને કંઇક બોલ્યો અને હાથમાં કંઇક આપ્યું. અને પેલો છોકરો ઉભો થઈને તિર્થની સીટ A-૮ પર જીઈને બેસી ગયો. અનન્યા અને તિર્થ બંને એકબીજા સામું જોઇને હસ્યાં. અને હું તો સાવ રોવાની હાલતમાં આવી ગયો હતો.
“તે પેલા ટેણ્યાને શું કહ્યું કે એ ઊભો થયી ગયો.” મેં પૂછ્યું.
“કંઈ નહી લા, પોપકોર્ન \ની ડીસકઉન્ટ કૂપન હતી એ આપી દીધી. આપડી જોડે તો ડસ્ટરવાળી માલદાર પાર્ટી બેઠી જ છેને. તો આપી દીધી.” બહું જ વિચિત્ર પ્રકારનું હસતાં-હસતાં બોલ્યો. અને હું કઈ કહું એ પેલા અનન્યા જોડે વાત કરવા લાગ્યો.
***
પિક્ચર સ્ટાર્ટ થયી ગયું હતું. પણ હજી પણ અનન્યાના ફ્રેન્ડસ આવ્યા ન હતા. પંદર-વીસ મિનીટમાં એના ફ્રેન્ડસ આવ્યા અને કંઈ પણ બોલ્યા વગર બેસી ગયા. હું તો એના ફ્રેન્ડસ કોણ છે એજ જોઈ રહ્યો હતો. કોઈ છોકરો હતો નહી એટલે અંદર ખુશ પણ થયી રહ્યો હતો. અને થોડીક થોડીક વારમાં એની સામું પણ જ જોતો. અને તિર્થ તો જાણે પોતે કરસન હોય એમ પિકચરમાં એકદમ મશગૂલ થયી ગયેલો. પિકચરનો શોખીન એટલે કોઈ પણ મૂવી એને ગમે જ. વચ્ચે-વચ્ચે કોમેડી સીનમાં જોર-જોરથી હસવા પણ લાગતો. અંતે ઈન્ટરવલ પડ્યો.
“ભાઈ, ત..ત..તને જે ઠીક લાગે એ લેતો આવજેને. પણ મારા માટે કંઈક કોલ્ડ-ડ્રીન્ક લાવજે. હું આવું જઈને.” આટલું કહીને તિર્થ ત્યાંથી છટકી ગયો.
અનન્યા લોકો પણ કંઇક વાતો કરતાં-કરતાં બહાર ગયા. અનન્યાએ મારી સામે જોઇને બહાર આવાનો ઈશારો કર્યો. એ લોકો સાથે બહાર નીકળ્યા અને હું ફૂડ કાઉન્ટર તરફ ચાલ્યો. અને તિર્થની રાહ જોવા લાગ્યો. એ ભાઈ ડાઇરેક્ટ અંદર જતાં હતાં એટલે મેં એને બૂમ પાડીને બોલાવ્યો.
“શું લેવાનું છે ભાઈ, કઈને તો જા”
“પોપકોર્ન કે ફ્રેંચ ફ્રાઈસ લેજે, અને કોક લઇ લેજે.ચલ હું જવું પિક્ચર ચાલુ થયી જશે.”
એટલામાં અનન્યા આવી.
“તિર્થને બહું જલ્દી લાગે છે જવાની !” અનન્યા એ પૂછ્યું.
“ હા, એ પિક્ચરોનો બહું રસીયો છે.”
“પણ આવા પિકચરોનો પણ ?” બહું જ આશ્ચાર્યથી પૂછ્યું. મેં હસતાં- હસતાં ખાલી મોઢું હલાવી.
“બોલો, શું લેવાનું છે તારે?” મેં પૂછ્યું.
“અરે, તમે કો તમે બે જ લોકો છો, આપડી ફ્રેન્ડશીપની પાર્ટી સમજી લો.”
એટલામાં અનન્યાની એક ફ્રેન્ડે બૂમ પાડી. “ બધા વચ્ચે ૩ કોક, અને ૫ પોપકોર્ન લઇ લેજે.” અમે બંને એકબીજા સામું જોઇને હસ્યાં.
“સાહેબ, ૬ પોપકોર્ન અને ૫ કોક. A લાઈનમાં પહોચાડાસો? ” આટલું કહીને ખિસ્સામાંથી કાર્ડ કાઠીને આપ્યું. અનન્યાએ પણ પૈસા કાઢીને આપ્યા. પણ મારું કાર્ડ જ લેવામાં આવ્યું.
“સાહેબ, સવારથી કાર્ડ પેમેન્ટમાં પ્રોબ્લેમ આવે છે, તેમ છતાં ટ્રાય કરી જોવું.” ફૂડ-કોર્ટવાળા ભાઈએ કહ્યું. એક-બેવાર ટ્રાય કરવાં છતાં કાર્ડને હાર સ્વીકારવી પડી. હું પૈસા કાઢું ત્યાં સુધી અનન્યાએ પૈસા આપી દીધા.
“ભાઈ, આમાંથી કાપી લો. અને Aવાળી રોમાં પહોચાડી દેજો.” આટલું કહીને મને આંગળી બતાવીને ચુપ રેહવા કહ્યું. અને બાકીના પૈસા લઈને ચાલતા થયા. મને ખબર હતી કે પિક્ચર ચાલુ થઇ ગયું હશે, પણ હવે કરસનદાસમાં કોને રસ હતો !
“ટેલ મી હાઉં મચ આઈ ઓ(ઉધાર)?”
“ટૂ ટ્રીટ્સ, નેક્સ્ટ ટૂ ટાઇમ વેન વી મીટ.” હસતાં-હસતાં તેણે જવાબ આપ્યો.
“Ok, સ્યોર, ડન.”
“So, વેકેશન કેવું રહ્યું અને સેકન્ડ યેઅર માટે રેડી.” તેણે પૂછ્યું.
“હા, બસ C.S. ચાલતું હતું, વેકેશનમાં. અને સેકન્ડ યેઅર પણ નીકળી જશે ફર્સ્ટની જેમ. ટેલ મી અબાઉટ યોર્સ.?” અને થોડીક વાત કરતાં અમે અંદર જઈને સીટ પર બેસી ગયા.
૫-૧૦ મિનીટમાં પોપકોર્ન-ડ્રીન્કસ આવ્યા. અને તિર્થ જાપટવા માંડ્યો. પણ હું તો કોકના એક-એક ઘૂંટડા સાથે અનન્યાને જોતો હતો.અંતે ક્યાં પિક્ચર પત્યું મને ખબર જ નથી. પિક્ચરમાં મારું ધ્યાન ઓછું હતું એટલે હું કહી કઈ ના શકું કે કેવું હતું. પણ લોકોની વાતો અને રીએક્શન પરથી સારું હોય આવું લાગ્યું. અનન્યા અને તેના ફ્રેન્ડસ પણ નીકળવા લાગ્યા. અમે એ લોકોની પાછળ જ હતા.
“અલ્યા, તારી કોલેજની છે નંબર માંગી લે ને,અ.. આપશે.” તિર્થે કહ્યું.
“અલ્યા, એમ ન મંગાય યાર. એને કામ હશે તો એ માંગશે નંબર”
“ઓ, ડસ્ટર, એટીટ્યુડના ના મારે. ચુપચાપ મારા માટે માંગ યારા.”
ત્યાં તો તેજ ત્યાં ઉભી રહેલી. આજુબાજુ જોતી હતી,પછી અમારી સામે જોઇને, અમારી બાજું આવી.
“Ok, તિર્થ એન્ડ કૃણાલ, નાઈસ મિટિંગ યુ. સી યુ લેટર.”
એટલાંમાં જ થિયેટરના હોલમાં સોંગ ચેંજ થયું. અને...
‘અભીનાં જાઓ છોડ કર, કે દિલ અભી ભરા નહી. હા.....’ ખબર નહી આવા જુના સોંગ કેમ વાગતા હતા. તિર્થે નંબર માંગવા ઈશારો કર્યો. પણ મારામાં માંગવાની હિમ્મત ન હતી. પણ તિર્થ જેવી ખોપડી ક્યાં ડરવાનો. મરણીયો પ્રયાસ તો કરવાનો જ. અનન્યા પાછી જતી હતી ત્યાં ....
“અ...અ...અનન્યા, હાઉ કે...કેન વી ગોના સી યુ લેટર ? બાય ધ વે, ક..ક..કૃણાલ ઇસ રીઅલી કલેવર. હી ગોટ એ...૮.૮ ઇન ફર્સ્ટ ય..ય...યેઅર. કોઈ પણ ભણવાની પ્રોબ્લેમ હોય તો, એને ક..ક..કોન્ટેન્ટ કરજે. અને બીજી બ..બ..બધી પ્રોબ્લેમ માટે મને. હું એન્જિનીઅર છું. પણ ટોપર નથી. તો ક..ક..કોન્ટેક્ટ નંબર.”
તિર્થ ઘણું બધું અને શું બોલ્યો એને ખુદને કંઈ ખબર નહોતી. અને અનન્યાને શું સમજાયું ? એતો કોઈને પણ નહી ખબર હોય. મને એવું હતું કે ઊંધું સમજીને લાફો ના મારે. પણ... મરણીયો પ્રયાસ કામ કરી ગયો.
“ઓલ રાઈટ, કૃણાલ તારો નંબર આપ. કંઈક હશે તો મેસેજ કરીશ.” એમ કહીને તેણે ફોનમાં જોયું અને મેં દિલના સાગરમાં ખુશીની ઘણી ડૂબકીઓ લગાવી હતો.
“અને... મા...” તિર્થ કંઈ બોલે એના પેલા મેં નંબર બોલવાનું ચાલું કરી દીધું.
“Ok, બાય.” આટલું કહીને તે નીકળી ગયી.
“અરે મિસકોલ મારવાનું તો કે યાર.”
“અરે એ કરશે એણે કહ્યું ને. આવશે એનો મેસેજ. ચલ તને ઠંડુ પીવડાવું.” આટલું કહીને અમે પણ ત્યાંથી નીકળી ગયા.
ગાડીમાં મને એવો જ વિચાર આવતો હતો કે, ‘મેસેજ આવશે કે નહી?, અને જો નહી આવે તો શું?’
આવ્યો હશે? અને આગળ શું ? આગળના ભાગ-૩માં.
☺☺☺☺