Romance is my favorite gener. મિત્રો હું કોઈ લેખક નથી અલબત્ત એન્જીનીયર છું. લખવાનો શોખ છે. મારી વધુ વાર્તાઓ પ્રતિલિપિ પર મળશે

.

.

.

સ્કૂલનું હોતું બહાનું રોજ મળતી, યાદ છે?
ભોળપણમાં તું લગનની વાત કરતી, યાદ છે?

તું મને જોઈ ઝડપથી ક્યાંક છૂપાઈ જતી,
શોધવા પાગલ બનું હું, ને તું હસતી, યાદ છે?

હાથમાં લઈ હાથ મારો સાવ પાસે બેસતી,
ટેકવી માથું ને તું સ્વપ્નોમાં સરતી, યાદ છે?

ગૌરીવ્રતમાં તું ચણિયાચોળી પહેરી નીકળે;
ને નજર મળતાં શરમથી તું પલળતી, યાદ છે?

સૌ અગાસી પર પતંગો મોજથી ઉડાડતાં,
તારી આંખો શોધવા મુજને જ ફરતી, યાદ છે?

'આર્યમ્'

વધુ વાંચો

તમારી યાદ આવી! તો તમારા વાંક શું ગણવા?
બધી બારી અમે ખોલી, હવાના વાંક શું ગણવા!

દુવાઓના ભરોસે, વૈદ્ય સાથે દુશ્મની કીધી,
એને આપી જ નહિ,એમાં દવાના વાંક શું ગણવા?

એતો સરખા જ સાંચે ને ધીમી આંચે પકાવે છે,
બગાડે મૂરતિ ખુદને, કલાના વાંક શું ગણવા?

જરા ભટક્યા, દિશા કાજે અમે તે જોઈને ચાલ્યા,
પવન ફરતો રહ્યો કાયમ,ધજાના વાંક શું ગણવા!

નિરંતર જ્યાં કર્યા અપરાધ; માનવતા જરા ભૂલ્યા,
પછી ઈશ્વરની આપેલી સજાના વાંક શું ગણવા?

તમે વર્ષા બની આવ્યાં, અમે છતરીમાં સંતાયા!
પછી કોરા જ રહી ગ્યા તો તમારા વાંક શું ગણવા?

ભાવેશ પરમાર 'આર્યમ્'

વધુ વાંચો

ઘૂંઘટ   જરા  હટતાં   બધે   ફેલાઈ  ચાંદની;
સંસાર  છલક્યો! જાણે કે ઉભરાઈ ચાંદની!

એની નજર મારી ઉપર  પડતા જ એ હસ્યાં,
લાલી   ભરેલા  ગાલ   પર,   રેલાઈ   ચાંદની.

મેં બાંહો જ્યાં  એની  તરફ  ફેલાવી  થામવા,
મહેંદી  ભરેલા   હાથમાં    શરમાઈ   ચાંદની.

તરસ્યો હતો જન્મોજનમનો,આજ આ ક્ષણે;
લ્યો!  એમની આંખો  થકી   પીવાઈ  ચાંદની.

"આર્યમ્" બધું તો  ઠીક! આ  અંધાર   કેમનું?
શું  તેજ   એનું   જોયું  ને   સંતાઈ   ચાંદની?

"આર્યમ્"

વધુ વાંચો

જવું તો જવું  ક્યાં! મગજમારીમાંથી,
નથી શ્વાસ છૂટતા  એમ  ઉધારીમાંથી.

છો  ઠોકી રહ્યું  ચાંચ  પંખી  નીકળવા,
ન  ઉડી   શકે   આશની   બારીમાંથી.

કપાયાં  જે   વૃક્ષો  ન  રડતાં  કદી એ,
છતાં   બુંદ   ટપકે છે કેમ આરીમાંથી!

જરા સાપ માળા નજીક આજ સરક્યો,
ન આવ્યો પછી રવ એ  કિકિયારીમાંથી.

"આ રોટી છે  કાચી."  કહીને  જે  ફેંકી,
ધરાઈ   કીડી એની   કિનારીમાંથી.

પોતાનાં જ કર્મે ફસાયું છે હરણું!
નથી છૂ..ટવા....નું...! મહામારીમાંથી.

નથી સારું મળતું ને નબળું ન ફાવ્યું,
બચી ગ્યો છું "આર્યમ્" આ બેકારીમાંથી!


"આર્યમ્"

વધુ વાંચો

gazal:

નામ બદલવું છે અમારે, નામ શોધી રાખજો
સાવ નવરાઓ કરે,  એ કામ  શોધી રાખજો.

કસ  વગરની આ  મદિરાઓ  મને ના ફાવશે;
એમના  હોંઠે  અડેલો જામ  શોધી   રાખજો.

છું હું તત્પર આજ પીવા વિષ બધાં સંસારનાં,
પણ તમે 'નીલકંઠ' જેવું નામ શોધી  રાખજો.

જ્યાં અમારા જેવા પાગલ ને તમે રાખી શકો,
એ નગર મળશે, નહીં તો ગામ શોધી રાખજો.

આવશે  સતયુગ  પાછો જો  તમે એ ચાહશો,
પણ, ફરી  વનવાસ  માટે રામ  શોધી રાખજો.

એટલી  સહેલી  નથી મારી  ગઝલ ને વાંચવી,
જો  દુખે  માથું તમારું, બામ  શોધી  રાખજો.


"આર્યમ્"

વધુ વાંચો

gazal:


લાગણી  છોડી  નથી શકતો  હજુ,
દૂર  પણ  ઠેલી  નથી  શકતો  હજુ.

કંટકો    ઉખેડવા    મથતો    રહ્યો,
ફૂલડાં  તોડી   નથી    શકતો  હજુ.

જૂઠની  મીઠાસ  ચાખી  ગ્યા  પછી,
સત્ય પણ  બોલી નથી શકતો હજુ.

ઝાંકતી   તિરાડ    માંથી   જિંદગી,
બારીઓ  ખોલી નથી  શકતો હજુ.

એક  બાજીમાં   રમત  પલટી  શકે!
દાવ  એ  ખેલી  નથી  શકતો  હજુ.

આશ છે  એ  આવશે  ત્યાંથી કદી!
દ્વાર  હડસેલી  નથી   શકતો  હજુ.

સો નિરાશાઓ મળી "આર્યમ્" છતાં,
આશ   સંકેલી  નથી   શકતો   હજુ.

"આર્યમ્"

વધુ વાંચો

ગાલગા ગાલગા ગાગા ગાગા

આંખ પણ એકધારી જાગે છે,
સ્વપ્ન કાજે બિચારી જાગે છે.

ભીંત ને તો ફરક ક્યાં  છે કોઈ!
વાટ જોવા જો બારી જાગે છે.

આંસુઓ ને   વહાવી   થાકેલી,
આંખ  નીચે  અટારી  જાગે છે.

રાત જાણે વિજોગણ કામિની,
એકલી  એ   નઠારી  જાગે  છે.

પાંપણો પર વજન છે શામાટે?
નીંદ  પણ એ વિચારી જાગે છે.

હું ઉલેચું છું મદિરાલય  આજે,
રાહમાં  ઘેર  પ્યારી  જાગે  છે.

પિયુની વાટે નિરખવા  માટે જ,
ઘૂંમટા ની  કિનારી   જાગે   છે.

ભાવેશ પરમાર "આર્યમ્"
(તરહી)

વધુ વાંચો