બહુ વિચિત્ર હોય છે માનવીનું મન અને તેની માન્યતા. મારી મમ્મી..તેની રોજીંદી વાતચીતની ભાષામાં અડધોઅડધ શબ્દો મરાઠી ઘુસી આવ્યા છે, તેની તેને પોતાને પણ ખબર નથી, આમ છતાંય, તેને એવું લાગે કે છોકરાની પત્ની જો મરાઠી આવશે, તો તેની સાથે કામ પાર પડતા રોજેરોજ તકલીફ પડશે. તેનું કલ્ચર અમારાથી ઘણું જુદું હશે. ભવિષ્યમાં મારા સંતાનોને મૂંઝવણ થશે કે, ઘરમાં મરાઠીમાં બોલવું કે ગુજરાતી. મરાઠી સંસ્કારો લેવા કે ગુજરાતી, તેની તે બિચારાઓને કાયમની તકલીફ રહેવાની. સંસ્કારો સારા કે ખરાબ હોય તે તો હું સમજી શકતો હતો, પણ સંસ્કારો મરાઠી યે હોય અને ગુજરાતી પણ હોય, તે મને વિચિત્ર લાગતું. મારા સંતાનોની માતા જો નોન-ગુજરાતી હશે, તો મોટા થઈને તેઓ પણ નોન-ગુજરાતીને જ કદાચ જીવનસાથી તરીકે પસંદ કરશે, તેવી ફિકર મારી મારી મમ્મીને તેઓના જન્મ પહેલાથી જ લાગી રહેલી છે. દિવસ-રાત્રી બસ આ જ જાતનું ટોચન કરી કરીને તેણે પપ્પાનું પણ બ્રેઈન-વોશ કર્યું હશે કદાચ, કારણ તેઓ પણ..ભલે થોડું સોફ્ટલી..પણ આવું જ બધું બોલે. તેઓ બંનેની સામે હું એકલો પડી જતો. મારું દિલ તેમનાં બંનેના માટે જ હતું, પણ મારી લાગણીઓ તેમનાં આવા રંગે રંગાવાની સાફ ના પાડતી. તન્વી સાથે એફેર ચાલુ રહ્યો તે હાફ-હાર્ટેડ હતો, તેનું કારણ આ જ. પણ હવે જયારે હું તેને ખોઈ ચુક્યો હતો, ત્યારે મારું હોલ-હાર્ટ તે બાબતમાં અફસોસ કરી રહ્યું હતું.