મોતને હથેળીમાં રમાડીને, ભયને ઊંડી ખીણમાં પટકીને હેમખેમ વીંટી લઈ આવી. સૌના જીવમાં જીવ આવ્યો. સૂરજ ભીની આંખે સફાળે સેજલને ભેટી પડ્યો. સુંધામાતાના ધામમાં રાતવાસો કરીને બીજા દિવસે તેઓ માઉન્ટઆબું પહોંચ્યા. આબું પર્વત એટલે હિમાલયનો નાનો ભાઈ જાણે! અહીં પ્રકૃત્તિ બારેમાસ લીલાછમ્મ વાઘા પહેરી વનદેવીને, પર્વતરાજ આબુને અને અહીં આવનાર સૌને અવનવા રૂપે વધાવતી રહી છે. માઉન્ટઆબુ એ હવાખાવાનું ઠંડું સ્થળ છે. જગતના છેડે- છેડેથી સહેંલાણીઓ સ્વચ્છ અને તાજી હવા ખાવા તથા પ્રકૃત્તિની ગોદમાં મહાલવા આવે છે. અહીના નૈસર્ગિક વાતાવરણની આહલાદકતા જીંદગીભર અતીતના માનસપટ પર સચવાઈ રહે એવી તરોતાજા છે. આબુનો પૌરાણિક ઈતિહાસ અને જહોજલાલી અત્યંત લાંબી અને રસપ્રદ છે. અહીંનું નખી તળાવ માત્ર એક જ રાતમાં ખોદવામાં આવ્યું છે! અને એ પણ નખ વડે! આબુ પર્વત પોતાની ગોદમાં અનેક અમર ઈતિહાસ સંગ્રહીને અડીખમ ઊભો છે. અહીંના દેલવાડાના દેરા ની કલા કારીગરી અને અજરાઅમર ઈતિહાસ જગવિખ્યાત છે.