બાર્બીકેન દેખીતીરીતે વિચલનના તર્કસંગત કારણ સુધી પહોંચી ગયા હતા. જો કે વિચલન ભલે ઓછામાં ઓછું થયું હોય તો પણ તેણે ગોળાનો રસ્તો તો બદલી જ નાખ્યો હતો. આ એક કરુણતા હતી. એક સાહસિક પ્રયાસ આકસ્મિક કારણોસર નિષ્ફળ ગયો હતો અને હવે તો કોઈ અજાયબી જ તેમને ચન્દ્રની ધરતી પર ઉતરાણ કરાવી શકવાની હતી. શું તેઓ એટલી નજીકથી પસાર થઇ શકશે કે જેનાથી ભૌતિક અને ભૌગોલિક કારણો જે અત્યાર સુધી જવાબ વગરના રહ્યા છે તેના જવાબ મળી શકે? આ પ્રશ્ન, આ એક માત્ર પ્રશ્ને અત્યારે આ ત્રણેય મુસાફરોના મનને ઘેરી લીધા હતા. આ એક એવું ભવિષ્ય હતું જેના વિષે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.